સૂઈગામમાં ઉછેરની જવાબદારીમાંથી છટકવા પિતાએ ક્રૂરતાની હદ વટાવી, અઢી વર્ષના પુત્રને પેટ્રોલ છાંટી સળગાવ્યો; પાપ છુપાવવા મૃતદેહ દફનાવી દીધો

વાવ-થરાદ જિલ્લાના સૂઈગામમાં એક પિતાએ અઢી વર્ષના પુત્રને પેટ્રોલ છાંટી સળગાવી દીધો, પત્નીના રિસામણે જતાં બાળકના ઉછેરની જવાબદારીમાંથી છટકવા આ કૃત્ય કર્યું. ગુનાને છુપાવવા મૃતદેહ દફનાવી દીધો હતો, પરંતુ કાકાની ફરિયાદ બાદ પોલીસે પિતાની ધરપકડ કરી અને મૃતદેહ બહાર કાઢ્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 14 Oct 2026 08:02 PM (IST)Updated: Wed, 14 Oct 2026 08:02 PM (IST)
suigam-news-father-murders-toddler-by-setting-him-on-fire-to-hide-burden

Suigam News: વાવ-થરાદ જિલ્લાના સૂઈગામમાં દંપતી વચ્ચેના ડખ્ખામાં માસૂમ બાળકની હત્યાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં જલ્લાદ બનેલા પિતાએ પોતાના અઢી વર્ષના બાળકને આગને હવાલે કરી દીધો હતો. જે બાદ પુરાવાનો નાશ કરવાના ઈરાદે મૃતદેહની દફનવિધિ પણ કરી દેવામાં આવી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સૂઈગામના રાવળવાસમાં રહેતા અશોક રાવળની પત્ની રિસામણે પિયર જતી રહી હતી. જે બાદ અશોક રાવળ પોતાના અઢી વર્ષના પુત્ર નવઘણ સાથે રહેતા હતા.

ગઈકાલે બપોરના એક વાગ્યાના અરસામાં અશોક રાવળે પોતાના પુત્રના શરીર પર પેટ્રોલ છાંટીને દિવાસળી ચાંપી દીધી હતી. આ ઘટનામાં બાળક ગંભીર રીતે દાઝી જતાં તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતુ.

બાળકના મૃત્યુ બાદ પોતાનું પાપ છુપાવવા માટે હત્યારા પિતાએ મૃતદેહને સમાજના સ્મશાનમાં દાટીને અંતિમ વિધિ કરી નાંખી હતી. જો કે હત્યારાના સગા કાકા બાબુભાઈ રાવળને સમગ્ર ઘટનાની જાણ થતાં તેમણે સૂઈગામ પોલીસ મથકમાં પોતાના જ ભત્રીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પ્રાથમિક તપાસમાં બાળકના ઉછેરની જવાબદારીમાંથી છટકવા માટે પિતા અશોકે તેને મારી નાંખ્યું હોવાનું સામે આવ્યું છે. હાલ તો પોલીસે હત્યા તેમજ પુરાવાનો નાશ કરવાની કલમો હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી છે. તેમજ જમીનમાં દાટેલા બાળકના મૃતદેહનો કબજો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.