Gujju Love Guru Charitable Trust: વાવ-થરાદ જિલ્લાના સુઈગામના વતની અને સોશિયલ મીડિયા પર 'ગુજ્જુ લવગુરુ' તરીકે ભારે લોકપ્રિયતા મેળવનાર કલાકાર સ્વ. ચંદન રાઠોડના અકાળે અવસાન બાદ હવે તેમની સ્મૃતિને ચિરંજીવ રાખવા માટે એક ઉમદા સેવાકીય નિર્ણય લેવામાં આવ્યો છે. ગત 17 સપ્ટેમ્બરના રોજ માર્ગ અકસ્માતમાં અવસાન પામેલા ચંદન રાઠોડની યાદમાં ‘ગુજ્જુ લવગુરુ ચેરિટેબલ ટ્રસ્ટ’ સ્થાપવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ટ્રસ્ટ દ્વારા સમગ્ર રાજ્યમાં જરૂરિયાતમંદ લોકોને શિક્ષણ, આરોગ્ય અને કુદરતી આફતો સમયે સહાય પૂરી પાડવામાં આવશે.
પરિવાર અને વિવિધ સમાજના સહયોગથી લેવાયો નિર્ણય
ચંદન રાઠોડના નિધન બાદ સમગ્ર ગુજરાતમાંથી સામાન્ય મજૂરોથી લઈને અનેક લોકોએ પરિવારને આર્થિક અને નૈતિક ટેકો પૂરો પાડ્યો હતો. આ માનવતાવાદી પ્રતિસાદને ધ્યાનમાં રાખીને સુઈગામ ખાતે તેમના ઘરે પરિવારજનો, સ્થાનિક નેતાઓ, મિત્રો અને પ્રશંસકોની ઉપસ્થિતિમાં આ ટ્રસ્ટની જાહેરાત કરાઈ હતી. પૂર્વ સરપંચ રામસિંહભાઈ રાજપૂતે માહિતી આપતાં જણાવ્યું કે, 'વાહતા વિલેજ બોય' ટીમના અમરસિંહભાઈ અને ચંદન રાઠોડના પરિવાર સાથે વિસ્તૃત ચર્ચા કર્યા બાદ આ ચેરિટેબલ ટ્રસ્ટ બનાવવાનું નક્કી કરાયું છે.
21 સભ્યોની કમિટી અને સેવાકીય ઉદ્દેશ્યો
ટ્રસ્ટની કામગીરીને પારદર્શક અને વ્યાપક બનાવવા માટે વિવિધ સમાજના આશરે 21 સક્રિય લોકોને ટ્રસ્ટી તરીકે જોડવામાં આવશે. આ ટ્રસ્ટનો મુખ્ય હેતુ ચંદન રાઠોડના નામે કાયમી ધોરણે સામાજિક કાર્ય કરવાનો છે.
- શિક્ષણ અને આરોગ્ય: ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણ તેમજ ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓને સારવાર માટે આર્થિક સહાય અપાશે.
- આફત વ્યવસ્થાપન: પૂર, દુષ્કાળ કે અન્ય કુદરતી મુશ્કેલીઓના સમયે અસરગ્રસ્તો સુધી રાહત સામગ્રી પહોંચાડવાનું કામ કરાશે.
લોકોના પ્રેમને સેવામાં બદલવાનો પ્રયાસ
વાહતા વિલેજ બોય' ટીમના અમરસિંહભાઈએ જણાવ્યું હતું કે, ગુજ્જુ લવગુરુએ સોશિયલ મીડિયાના માધ્યમથી દેશ-વિદેશના લાખો લોકોના દિલમાં સ્થાન બનાવ્યું હતું. તેમની વિદાય બાદ લોકોએ જે રીતે મદદનો હાથ લંબાવ્યો છે તે માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. તેમણે ડિજિટલ પ્લેટફોર્મ પર જે પ્રેમ મેળવ્યો હતો તેને હવે લોકસેવાના કાર્યો દ્વારા કાયમ માટે જીવંત રાખવામાં આવશે.
