Palanpur: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના છેવાડાના ગામ અને ઘર સુધી 24 ×7 વીજળી મળી રહે તે માટે સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થાના ભાગરૂપે રાજયના ઊર્જા વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના કપાસિયા,ખારી, ઝાંબા તેમજ હડાદ તાલુકાના રાણપુર-બંગલા અને મહુડા ગામોમાં વર્ષોથી સતત પુરતા વોલ્ટેજ સાથે વીજળીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
દાંતા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય કાન્તીભાઈ ખરાડીએ તા. 28 ફેબ્રુઆરીએ વિધાનસભા ગૃહમાં આ ગામોને વીજળી મળતી નથી તેવા કરેલા આરોપો તદ્દન પાયા વિહોણા છે તેમ, સ્થળ તપાસ બાદ વિગતો આપતાં આજે ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે ગૃહમાં જણાવ્યું કે, અમારા ઊર્જા વિભાગ દ્વારા રાજ્યના ખેડૂતોને સતત અને પુરતા વૉલ્ટેજ સાથે વીજળી મળી રહે તે માટે ખેતર સુધી ટ્રાન્સફોર્મર ઉભા કરાયા છે. આ સિવાય પણ જ્યારે કોઈ ટેક્નિકલ ખામી આવે અથવા કોઈ ફરિયાદ આવે ત્યારે તેનો તાત્કાલિક ઉકેલ લાવીને વિજળી પુરવઠો પુનઃ સ્થાપિત કરવામાં આવે છે.
આ ગામોમાં ક્યારે વીજળી આવી તે અંગે વધુ વિગતો આપતાં ગૃહમાં જણાવ્યું કે,આ પાંચ ગામોના કુલ 1,788 ગ્રાહકોને પુરતા વોલ્ટેજ સાથે સતત વીજળી આપવામાં આવે છે. જેમાં કપાસિયા ગામમાં વર્ષ 1988માં વીજળી આપવામાં આવી હતી. જેનો હાલમાં 816 ગ્રાહકો લાભ લઈ રહ્યા છે. આ ગામને 11 KV કપાસિયા જ્યોતિગ્રામ ફીડરનો પુરતા વૉલ્ટેજ સાથે પાવર મળે છે.
આજ રીતે ખારી ગામમાં વર્ષ 1993થી વિજળી પહોચાડવામાં આવી છે. જ્યાં હાલમાં 374 ગ્રાહકો છે. આ ગામને 11 KV અમીરગઢ જ્યોતિગ્રામ ફીડરનો પુરતો પાવર મળે છે. જ્યારે 48 ગ્રાહકો ધરાવતા ઝાંબા ગામમાં વર્ષ 2007થી વીજળી પહોંચી છે. આ ગામને 11 KV અમીરગઢ જ્યોતિગ્રામ ફીડરનો પાવર આપવામાં આવે છે.
આ ઉપરાંત 412 ગ્રાહકો ધરાવતા રાણપુર-બંગલા ગામમાં વર્ષ 2002થી વીજળીની સુવિધા ઉપલબ્ધ કરાવામાં આવી છે. આ ગામને 11 KV રૂપપુરા જ્યોતિગ્રામ ફીડરનો પાવર આપવામાં આવે છે. જ્યારે 138 ગ્રાહકો ધરાવતા મહુડા ગામમાં વર્ષ 2009થી વીજળી આપવામાં આવે છે. આ ગામને 11 KV રૂપપુરા જ્યોતિગ્રામ ફીડરનો સતત પાવર ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
