Gujju Love Guru News: સોશિયલ મીડિયા પર 'ગુજ્જુ લવ ગુરુ' (Gujju Love Guru) ના નામે જાણીતા અને લાખો લોકોના દિલ જીતનારા ઉત્તર ગુજરાતના લોકપ્રિય કન્ટેન્ટ ક્રિએટર ચંદન રાઠોડના આકસ્મિક નિધન બાદ તેમના વતન સુઈગામ ખાતે શોકનો માહોલ છે. બેસણામાં ગુજરાતના જાણીતા લોકગાયક વિજય સુવાળા પોતાના ગ્રુપના સભ્યો સાથે સ્વ. ચંદન રાઠોડના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તેમણે સ્વર્ગસ્થના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી અને આ કઠિન સમયે તેમની પડખે ઊભા રહેવાની ખાતરી આપી હતી.
51 હજારની આર્થિક સહાય અને સ્મારક નિર્માણની જાહેરાત
વિજય સુવાળાની ઉપસ્થિતિમાં વિહોતર ગ્રૂપ ઓફ ભારત અને અખિલ ભારતીય રબારી સમાજ દ્વારા ચંદન રાઠોડના પરિવારને 51,000 ની આર્થિક મદદ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આવનારી પેઢીઓ સુધી ચંદન રાઠોડની યાદો અને તેમની કળા અમર રહે તે હેતુથી તેમનું એક સુંદર સ્મારક બનાવવાની પણ જાહેરાત કરાઈ છે.
વિહોતર ગ્રૂપના રાષ્ટ્રીય અધ્યક્ષ જીવરાજભાઈ આલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, "ચંદન રાઠોડે માત્ર પોતાની કોમેડીથી જ નહીં, પરંતુ પોતાના અત્યંત સરળ સ્વભાવ અને લોકો પ્રત્યેના અપાર પ્રેમથી દરેકના દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું હતું."
રાજકીય નેતાઓ અને ઇન્ફ્લુએન્સર્સે આપી શ્રદ્ધાંજલિ
સુઈગામ સ્થિત રાધે કૃષ્ણ મંદિર પાસે આવેલી બ્રાહ્મણવાસ શાળા ખાતે યોજાયેલા બેસણામાં રાજકીય અને સામાજિક ક્ષેત્રના અનેક દિગ્ગજો પહોંચ્યા હતા. જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, વાવના ધારાસભ્ય અને મંત્રી સ્વરૂપજી ઠાકોર, તથા દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ સહિતના અગ્રણી નેતાઓએ હાજરી આપીને સ્વ. ચંદન રાઠોડને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ ઉપરાંત, ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ, સ્થાનિક કલાકારો અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાંથી તેમના હજારો ચાહકો સ્વયંભૂ રીતે શ્રદ્ધાંજલિ આપવા સુઈગામ દોડી આવ્યા હતા.
