Gujju Love Guru Chandan Rathod: વાવ-થરાદ જિલ્લાના સૂઈગામના વતની અને 'ગુજ્જુ લવગુરુ' તરીકે જાણીતા ચંદન રાઠોડના અકસ્માતમાં અવસાન બાદ ગુજરાતના અનેક જાણીતા કલાકારો અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરો તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આવી રહ્યા છે.
એવામાં આજે જાણીતી ગુજરાતી ગાયિકા કિંજલ દવે સૂઈગામ સ્થિત ચંદન રાઠોડના નિવાસ સ્થાને પહોંચીને તેમના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી. આ સાથે જ કિંજલ દવેએ લોકોને બાઈક ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખવાની અપીલ કરી છે.
આપણી જિંદગી માત્ર આપણા એકલાની નથી, તેનું ધ્યાન રાખીએ
આ તકે કિંજલ દવેએ જણાવ્યું કે, ગુજરાતના દરેક કલાકાર અને ફેન્સ ચંદન રાઠોડના પરિવારની મદદ માટે આગળ આવ્યા છે. આર્થિક રીતે આ પરિવારનો સહારો બન્યા, તે સૌ કોઈને મારા વંદન. અત્યારે અબજો રૂપિયા હશે, તો પણ આ સંતાનોને એમના બાપની ખોટ ક્યારેય પુરી નહી થાય.
માર યુવાનોને માત્ર એટલું જ કહેવું છે કે, આપણી જિંદગી માત્ર આપણા એકલાની નથી હોતી, પરંતુ આપણી પાછળ જીવતા પરિવારના સભ્યો સંતાનો, માતા-પિતા માટે હોય છે. આજે ચંદન રાઠોડનું અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું, તો તેનાથી આપણે શીખ લેવી જોઈએ કે, જ્યારે પણ બાઈક પર નીકળીએ, ત્યારે હેલ્મેટ અચૂક પહેરીએ. માત્ર આપણું નહીં, આજુબાજુના લોકોનું પણ ધ્યાન રાખીએ.
આજે ચંદનભાઈ આપણી વચ્ચે નથી, ત્યારે ઘણીવાર એવું બને કે, આપણાથી અજાણતા કોઈકની જિંદગી જતી રહે છે. આપણી મજાના લીધી, કોઈનો જીવ ના જાય, તે માટે આપણે સૌ સાવચેતી રાખીએ. આટલું જ નહીં, આપણી આસપાસના લોકોને પણ વાહન ચલાવતી વખતે સાવધાની રાખવાનો સંદેશો આપી.
સૂઈગામમાં દિવંગત ચંદન રાઠોડની ઉત્તર ક્રિયા, આત્માની શાંતિ માટે પ્રાર્થના
ગત 17 સપ્ટેમ્બરે માર્ગ અકસ્માતમાં મોત બાદ આજે સૂઈગામમાં દિવંગત સોશિયલ મીડિયા સ્ટાર 'ગુજ્જુ લવગુરુ'ની ઉત્તર ક્રિયાની વિધિ યોજાઈ હતી. જેમાં પરિવારજનો, સગા-સબંધીઓ અને ગ્રામજનોની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ઘડા ભરવાની ક્રિયા કરવામાં આવી હતી. તેમજ દિવંગત કલાકારની છબી પર પુષ્પાંજલિ અર્પણ કરીને તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
