Jignesh Mevani Kodram Dairy: જીજ્ઞેશ મેવાણીના જણાવ્યા પ્રમાણે, અમુક કોદરામ દૂધ ઉત્પાદક મંડળીના લોકોનું માનવું છે કે મંડળીમાં પંખા ફરવાને કારણે 11 લાખ રૂપિયાની કિંમતનું દૂધ હવામાં ઉડી ગયું છે. આ ઘટનાની તપાસ કરવા માટે જર્મની અને યુરોપના કેટલાક ટેકનોક્રેટ્સ, એન્જિનિયરો અને વિજ્ઞાનીઓ કોદરામ ગામની મુલાકાત લેવાના હોવાનો આડકતરો પ્રહાર કર્યો હતો.
જુઓ વીડિયોમાં શું કહ્યું
વધુમાં જણાવ્યું કે, આ ઘટના એટલી આશ્ચર્યજનક છે કે તેને સાંભળીને વૈશ્વિક નિષ્ણાતો પણ આકર્ષાયા છે. તેઓ આ ડેરીમાં કયું ગણિત અને કઈ ટેકનોલોજી કામ કરે છે તે સમજવા માટે અભ્યાસ કરી રહ્યા છે. તેઓનો મુખ્ય પ્રશ્ન એ છે કે, એવા કયા આધુનિક પંખા છે, જેના ફરવાથી ખેડૂતો અને બહેનોની કાળી મજૂરીથી ઉત્પન્ન થયેલું 11 લાખનું દૂધ હવામાં ઉડી ગયું અને તેમનો નફો સાવ સાફ થઈ ગયો.
શું કોદરામ ડેરીમાં કૌભાંડ થયું
મેવાણીના મત પ્રમાણે, વડગામ ગામની દૂધ ઉત્પાદક મંડળીનો નફો 11 થી 13 ટકા છે, જ્યારે મુમનવાસનો નફો 12થી 13 ટકા છે. તેની સામે કોદરામનો નફો માત્ર 6.5 ટકા જ છે. જ્યારે લોકોને આ ઓછા નફાનું કારણ પૂછવામાં આવ્યું, ત્યારે તેઓએ જણાવ્યું કે 'પંખા એવા ફર્યા કે 11 લાખની કિંમતનું દૂધ ઉડી ગયું.'
સરકારને અપીલ કરી
વીડિયોમાં જીજ્ઞેશ મેવાણીએ વડાપ્રધાન મોદી અને રાજ્ય સરકારને પણ અપીલ કરતા કહ્યું કે, જો 11 લાખનું દૂધ પંખાથી ઉડી શકતું હોય, તો આ ટેકનોલોજીનો ઉપયોગ વાવ, થરાદ અને સુઇગામ પંથકમાં ભરાયેલા હજારો લીટર પાણીને ઉડાડવા માટે પણ કરવો જોઈએ. તેમને વિનંતી કરી કે કોદરામની આ અનોખી ટેકનોલોજી દેશની બહાર ન જાય અને તેને સાચવી રાખવામાં આવે.
