Banaskantha Lok Sabha Seat 2024: આજે કોંગ્રેસના બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા જન આશીર્વાદ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પરષોત્તમ રુપાલા પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે ઘમંડના કારણે તેમની જીભ લપસી રહી છે. આ ક્ષત્રિય સમાજની બહેનો-દીકરીઓનું નહીં પણ સમગ્ર ભારતભૂમિની બહેનો-દીકરીઓનું અપમાન છે.
વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે, 26 બેઠકોનો જે ઘમંડ છે અને 400 બેઠકોનો જે ઘમંડ છે. એ તોડવાની શરૂઆત ગુજરાતમાં અને દેશમાં જો કોઇએ કરી હોય તો તે ગેનીબેન ઠાકોરે કરી છે. આ ઘમંડના કારણે જ પરષોત્તમ રુપાલાની જીભ લપસી રહી છે. અને એમને કહેવા માગીએ છીએ કે ગઇકાલના ક્ષત્રિય સમાજમાં વાત થઇ એ તમે જે બહેન દીકરીઓનું અપમાન કર્યું છે તે એક ક્ષત્રિય સમાજની નહીં એ સમગ્ર ભારતભૂમિની, સમગ્ર ગુજરાતની બહેન દીકરીઓ અને માતાઓનું અપમાન કર્યું છે. એટલા માટે એક દલિત, પટેલ, રબારી કે આદિવાસી તરીકે નહીં પણ એક ભારતવાસી તરીકે એ નિવેદનનો વિરોધ કરીએ છીએ.
તેમણે જણાવ્યું હતું કે, ગઇકાલે 14મી એપ્રિલે હું ધારવાડમાં હતો ત્યારે ત્યાના કોંગ્રેસના મિત્રો પૂછતા હતા કે ગેનીબેન કોણ છે. ત્યાં સુધી તેમનો મેસેજ ગયો છે. ગેનીબેનનો ગુલાલ ઉડશે.રાહુલ ગાંધીએ, કોંગ્રેસ પાર્ટીએ 4 હજાર કિ.મી.ની પદયાત્રા કરી, 6 હજાર કિ.મી.ની ભારત જોડો યાત્રા વાહન સ્વરૂપે કરી. સમગ્ર ભારતના સર્વ સમાજ લોકોને પ્રેમનો ભાઈચારાનો સાથે રહેવાનો એકતાનો ભારતના બંધારણના મુલ્યોનો જે સંદેશ આપ્યો છે એ જ રાહુલ ગાંધીએ વચન આપ્યું છેકે કોંગ્રેસ પાર્ટીની ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે તો ખાલી પડેલા તમામ સરકારી પદો પર પાંચ વર્ષમાં ભરતી કરી 30 લાખ યુવાનોને રોજગારી આપવામાં આવશે.
