North Gujarat Lok Sabha Election Result: ઉત્તર ગુજરાતની પાંચ બેઠકમાંથી ચાર બેઠક પર ભાજપની અને એક બેઠક પર કોંગ્રેસની જીત થઇ હતી. મતગણતરીમાં ઉત્તર ગુજરાતે બધાને ચોંકાવી દીધા છે. સૌથી મોટો અપસેટ બનાસકાંઠા જોવા મળ્યો હતો. અહીં કોંગ્રેસની જીત થઇ છે. આ બેઠક પર પહેલા રાઉન્ડથી જ બને ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી હતી. અંતે ગેનીબેન ઠાકોર 30,409 મતની લીડથી મેદાન માર્યું હતું.
બનાસકાંઠામાં ભાજપના જૂના જોગીઓની નારાજગી ભાજપને નડી હોવાનું રાજકીય પંડીતો માની રહ્યા છે. રેખાબેનને ટિકિટ ફાળવવામાં આવતા, વર્ષોથી ભાજપ માટે મહેનત કરતા નેતાઓ નારાજ થયા હતા. તેઓએ ઉમેદવાર બદલવા માટે અવાજ પણ ઉઠાવ્યો હતો પરંતુ તેમા કોઇ બદલાવ કરવામા આવ્યો નહતો અને અંતે તે બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે.
ગાંધીનગરમાં અમિત શાહની જીત તો પહેલાંથી જ નિશ્ચિત હતી. અહીં ફક્ત લીડ માટેની જ લડાઈ હતી. અમીત શાહે 7,44,716ની જંગી લીડથી જીત મેળવી હતી. જ્યા, કોંગ્રેસના ઉમેદવાર સોનલબેનની હાર થઇ હતી.
સાબરકાંઠામાં કોંગ્રેસે મજબૂત નેતા તુષાર ચૌધરીને મેદાને ઉતાર્યા હતા જ્યારે ભાજપે શોભનાબેન બારૈયાને ટિકિટ આપી હતી, જે કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયામા પત્ની હોવાથી તેમનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. ક્ષત્રિય આંદોલન અને ઉમેદવાર સામેનો આંતરિક વિરોધ છતાં ભાજપે શોભનાબેનને યથાવત રાખ્યાં અને અંતે તેમણે 1.55,682 લાખ મતની લીડથી બેઠક જીતી લીધી છે.
પાટણ બેઠક પર શરુઆતથી જ કોંગ્રેસના ઉમેદવાર ચંદુજી ઠાકોર આગળ ચાલી રહ્યા હતા. રાજ્યમાં આ એકમાત્ર બેઠક એવી હતી જેમાં કોંગ્રેસ સતત આગળ રહ્યું હતું. બપોરે 2 વાગ્યાની આસપાસ તો તેમની જીત નક્કી જ માનવામાં આવતી હતી. પણ છેલ્લા ત્રણ રાઉન્ડમાં તેઓ પાછળ રહી ગયા અને ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી પાતળી સરસાઈથી 29,752 મતથી જીતી ગયા આમ કોંગ્રેસને મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો.
