Gujju Love Guru Death: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 'ગુજ્જુ લવ ગુરુ' તરીકે જાણીતા ઈન્ફ્લુએન્સર ચંદન રાઠોડનું આજથી બે દિવસ પહેલા ભાભર સ્થિત હરીધામ ગૌશાળા નજીક અકસ્માતમાં મોત નીપજ્યું હતુ. એવામાં આજે બનાસકાંઠાના કોંગ્રેસી સાંસદ ગેનીબેન ઠાકોર આજે સૂઈગામ સ્થિત ચંદન રાઠોડના ઘરે પહોંચ્યા હતા, જ્યાં તેમના પરિવારજનોની મુલાકાત લઈને તેમને સાંત્વના પાઠવી હતી.
કોણ કેટલું જીવ્યું તેના કરતાં કેવું જીવ્યું, તે મહત્ત્વનુંઃ ગેનીબેન ઠાકોર
આ પણ વાંચો
આજે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર ચંદન રાઠોડના પરિવારજનોને મળ્યા હતા. આ દરમિયાન સાંસદે વડીલો પાસેથી ચંદન રાઠોડના બે બાળકો વિશે માહિતી મેળવીને તેમના ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ સાથે જ તેમણે ચંદન રાઠોડના બાળકોને સારું શિક્ષણ મળે તેમજ તેમનો યોગ્ય ઘડતર થાય તે સમાજની પ્રાથમિક્તા હોવા પર ભાર મૂક્યો હતો.
ચંદન રાઠોડને શ્રદ્ધાંજલિ આપતા ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે, તેમના મૃત્યુથી આ સમગ્ર પંથકને ખૂબ મોટી ખોટ પડી છે. ચંદને સાદગીપૂર્ણ જીવન જીવીને આજના યુવાનોને પ્રેરણા આપવાનું કામ કર્યું છે. માણસ કેટલું જીવ્યો, તેના કરતાં કેવું જીવ્યો તે મહત્ત્વનું છે.
ચંદન રાઠોડનું કામ અને યાદો હંમેશા લોકોની વચ્ચે જીવતા રહેશેઃ પૂર્વ સાંસદ પરબત પટેલ
અગાઉ પૂર્વ સાંસદ પરબત પટેલે પણ ચંદન રાઠોડના અકાળે અવસાન પર શોક વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતુ કે, આ દુનિયા છોડીને માણસ ક્યારે જતો રહેશે, તેની કોઈને ખબર નથી હોતી. વ્યક્તિ ગમે ત્યારે વિદાય લે, પરંતુ તે કેવું જીવન જીવ્યો તે મહત્ત્વનું છે.
ચંદન રાઠોડે હંમેશા લોકોને હસાવીને પોતાના કામથી લોકોના દિલમાં જગ્યા બનાવી હતી. આ દુનિયામાંથી ગયા પછી માણસ પાછો નથી આવતો, પરંતુ ચંદન રાઠોડનું કામ અને તેની યાદો હંમેશા લોકોની વચ્ચે જીવંત રહેશે.
ઉલ્લેખનીય છે કે, ચંદન રાઠોડના અકસ્માત બાદ સાંસદ ગેનીબેન ઠાકોર ભાભરની હોસ્પિટલમાં પણ પહોંચ્યા હતા. જ્યાં તેમણે ચંદન રાઠોડના પરિવારજનોને મળીને તેમને દુઃખની ઘડીમાં હિંમત આપી હતી.
