Gujju Love Guru Death: ઉત્તર ગુજરાતના વાવ-થરાદ પંથકના સુઈગામના વતની અને સોશિયલ મીડિયા પર ‘ગુજ્જુ લવ ગુરુ’ તરીકે લોકપ્રિય બનેલા જાણીતા હાસ્ય કલાકાર ચંદન રાઠોડનું ભાભર નજીક સર્જાયેલા માર્ગ અકસ્માતમાં કરૂણ અવસાન થયું છે. પોતાની આગવી કોમેડી શૈલીથી સમગ્ર ગુજરાતમાં લાખો ચાહકોના દિલ જીતનાર કલાકારના અચાનક નિધનના સમાચાર વહેતા થતાં જ તેમના પરિવારજનો, મિત્ર વર્તુળ અને સોશિયલ મીડિયાના ચાહકોમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે.
શૂટિંગથી પરત ફરતી વખતે સર્જાયો અકસ્માત
ઘટના અંગે વિગતો આપતાં ‘ગુજ્જુ લવ ગુરુ’ સાથે સતત કોમેડી વીડિયો બનાવતા તેરવાડા ગામના અમરસિંહભાઈ ઉર્ફે ‘વાહતા વિલેજબોયે’ જણાવ્યું હતું કે, ગુરુવારે ચંદન રાઠોડ વીડિયો શૂટિંગના કામ અર્થે તેરવાડા આવ્યા હતા. ત્યાંથી તેમણે પોતાનો એક નવો વીડિયો પણ અપલોડ કર્યો હતો. જોકે, કોઈ કારણસર શૂટિંગ ન થઈ શકતા તેઓ પોતાના મોટરસાયકલ પર સવાર થઈને સુઈગામ સ્થિત પોતાના ઘર તરફ જવા માટે નીકળ્યા હતા.
અમરસિંહભાઈના જણાવ્યા અનુસાર, ચંદન રાઠોડ ભાભરથી સુઈગામ તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે ભાભર નજીક આવેલી ગૌશાળા પાસે સામેથી આવતા ઉચોસણ ગામના એક અન્ય મોટરસાયકલ સાથે તેમનું વાહન અથડાયું હતું. સામેના મોટરસાયકલ પર કડિયાકામમાં વપરાતા લાકડાના પાટિયાં (પાલખ) બાંધેલા હતા. ચંદન રાઠોડનું બાઈક આ પાટિયાં સાથે અથડાતા તેમણે વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો અને રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં તેમને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
સારવાર દરમિયાન ડોક્ટરોએ મૃત જાહેર કર્યા
અકસ્માતની ઘટના બનતા જ સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને ત્વરિત 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને ભાભર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. પરંતુ, ગંભીર ઈજાઓને કારણે રસ્તામાં અથવા સારવાર મળે તે પહેલાં જ તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું અને ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તેમના સાથી કલાકાર અમરસિંહભાઈએ ભારે હૈયે જણાવ્યું કે, "તેમના આકસ્મિક અવસાનથી અમારો આખો માળો વીંખાઈ ગયો છે અને અમને ન પુરાય તેવી ખોટ પડી છે."
સોશિયલ મીડિયા પર ચાહકોમાં શોકનું મોજું
‘ગુજ્જુ લવ ગુરુ’ સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર લાખો ફોલોઅર્સ ધરાવતા હતા. ગ્રામીણ સંસ્કૃતિ અને દેશી ભાષામાં બનેલા તેમના વિડીયો લોકો ખૂબ જ પસંદ કરતા હતા. તેમના અવસાન બાદ તેમનો મૃતદેહ સુઈગામ ખાતેના વતનના ઘરે લાવવામાં આવ્યો ત્યારે હજારોની સંખ્યામાં લોકો તેમના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા.
પરિવાર દ્વારા જણાવ્યા મુજબ, રવિવાર, 20 સપ્ટેમ્બરના રોજ સવારે 8:00 વાગ્યે રાધે કૃષ્ણ મંદિર પાસે આવેલી બ્રાહ્મણવાસ શાળા, સુઈગામ ખાતે તેમનું બેસણું રાખવામાં આવ્યું છે. જ્યારે બુધવાર, 23 સપ્ટેમ્બરના રોજ બારમું યોજાશે. લોકપ્રિય કલાકારને શ્રદ્ધાંજલિ આપવા મોટી સંખ્યામાં અગ્રણીઓ અને ફેન્સ ઉપસ્થિત રહેશે.
