ભાદરવી પૂનમ મહામેળો: લાલ દંડા સંઘ પહોંચ્યો મા અંબાને ધામ, 51 બ્રાહ્મણો અને 450 જેટલા પદયાત્રી કર્યા મા અંબાના દર્શન

અમદાવાદથી નીકળતો આ સંઘ દસ દિવસની કઠિન પદયાત્રા બાદ અંબાજી પહોંચે છે. છેલ્લા 191 વર્ષથી લાલ ડંડા સંઘની પદયાત્રા આજે પણ અવિરત ચાલુ છે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Thu 04 Sep 2025 04:13 PM (IST)Updated: Thu 04 Sep 2025 04:14 PM (IST)
bhadravi-poonam-maha-mela-lal-danda-sangh-51-brahmins-and-450-pilgrims-visited-maa-ambas-abode-597315
HIGHLIGHTS
  • ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી આવતા સંઘોમાં લાલ દંડા સંઘ સૌથી જુના સંઘોમાં એક છે.
  • લાલ દંડા સંઘનું દાંતાના રાજવી પરિવાર દ્વારા પણ ભવ્ય સ્વાગત કરવામાં આવે છે.

Ambaji Bhadravi Poonam Mela 2025: આજે લાલ દંડા સંઘે મા અંબાના ધામ અંબાજી પહોંચી મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી અનેક સંઘો આવે છે, પરંતુ આ સંઘોમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર અને ઐતિહાસિક મહત્વ ધરાવતો સંઘ છે લાલ ડંડા સંઘ. અમદાવાદથી નીકળતો આ સંઘ દસ દિવસની કઠિન પદયાત્રા બાદ અંબાજી પહોંચે છે. છેલ્લા 191 વર્ષથી લાલ ડંડા સંઘની પદયાત્રા આજે પણ અવિરત ચાલુ છે.

ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી આવતા સંઘોમાં લાલ દંડા સંઘ સૌથી જુના સંઘોમાં એક છે. ભાદરવા સુદ બીજના દિવસે અમદાવાદથી રવાના થઈ દસ દિવસની કઠિન પદયાત્રા બાદ બારસના દિવસે લાલ દંડા સંઘ મા અંબાના સાનિધ્યમાં અંબાજી પહોંચે છે. આ દરમિયાન ઠેર-ઠેર તેમનું સ્વાગત કરવામાં આવે છે તથા તેને આવકારવામાં પણ આવે છે. લાલ દંડા સંઘનું દાંતાના રાજવી પરિવાર દ્વારા પણ ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. પાંચસોથી વધુ પદયાત્રીઓ સાથે નીકળતો આ લાલ દંડા સંઘ ભાદરવી પુનમના મેળામાં આવતા સંઘોમાં સૌથી મહત્વનો સંઘ છે.

સંઘના આગેવાન કૌશિકભાઈ જોશીએ જણાવ્યું હતું કે લાલ દંડા સંઘે આજે માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી છે. ધર્મને ઊંચો લાવવો અને માની ભક્તિ કરવી એ અમારા આ સંઘનું ઉદ્દેશ છે. 51 બ્રાહ્મણો તેમજ 450 જેટલા લોકોએ અમદાવાદથી શરૂ કરેલી પદયાત્રા આજે મા અંબાના દર્શન કરી પૂર્ણ થઈ છે. અમારા સંઘમાં 50થી 85 વર્ષના ભક્તો પણ પદયાત્રા કરી રહ્યા છે જેમને મા એ શક્તિ આપી છે. અમારા સંઘમાં મોટાભાગના પદયાત્રીઓ 50 વર્ષ કરતાં વધુ ઉંમરના હોવા છતાં આજે ભક્તો પગપાળા ચાલી અને માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

લાલ દંડા સંઘનો ઇતિહાસ

લાલ દંડા સંઘની પાછળ ઇતિહાસ પણ જોડાયેલો છે કહેવાય છે કે વર્ષો અગાઉ અમદાવાદમાં જ્યારે પ્લેગ રોગ ફાટી નીકળ્યો હતો ત્યારે તત્કાલીન નગરશેઠ દ્વારા મા અંબાની બાધા રાખવામાં આવી હતી. જો શહેરમાંથી પ્લેગ રોગ નાબૂદ થઇ જશે તો તેઓ મા અંબાનાં દર્શને આવશે. ભાદરવી પૂનમમાં નગરના બ્રાહ્મણો સંઘ લઈ આંબાના સાનિધ્યમાં આવશે. જેને પગલે વર્ષો પહેલા અમદાવાદથી પાંચ બ્રાહ્મણો પગપાળા કરી અંબાજી આવ્યા હતા. આજે પણ પદયાત્રાની આ પરંપરા અવિરત ચાલુ છે. જ્યારે પણ લાલ દંડા સંઘ દાંતા પહોંચે છે ત્યારે રાજવી પરિવાર દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. દાંતા રાજવી પરિવારના જુના મહેલમાં રહેલા મા અંબાના મંદિરમાં પૂજા કરી તે બાદ આ લાલ દંડા સંઘ અંબાજી પ્રસ્થાન કરે છે. જ્યાં અંબાજી નીજ મંદિર દર્શન કરી તેઓ ધન્યતા અનુભવે છે.