ભાદરવી પૂનમના મહાકુંભ ભવ્ય શણગારની ડ્રોન તસવીર, રોશનીથી ઝળહળ્યું અંબાજી ધામ

હાલમાં સામે આવેલા ડ્રોન વીડિયોમાં મા અંબાનું ધામ અત્યંત ભવ્ય અને દિવ્ય લાગી રહ્યું છે, જે જોઈને ભક્તો આનંદ અને આસ્થાની લાગણી અનુભવી રહ્યા છે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Thu 04 Sep 2025 03:38 PM (IST)Updated: Thu 04 Sep 2025 03:38 PM (IST)
drone-footage-of-the-grand-decoration-of-mahakumbh-on-bhadarvi-poonam-ambaji-dham-lit-up-with-lights-597270
HIGHLIGHTS
  • ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થતાં જ લાખોની સંખ્યામાં ભક્તો મા અંબાના દર્શનાર્થે ઉમટી રહ્યા છે.
  • છેલ્લા ત્રણ દિવસમાં લગભગ 15 લાખ ભાવિકોએ મા અંબાના દર્શનનો લાભ લીધો છે.

Ambaji Bhadravi Poonam Mela 2025: ભાદરવી પૂનમના મહાકુંભને કારણે અંબાજી શક્તિપીઠ રોશનીથી ઝગમગી ઉઠ્યું છે. મંદિર ટ્રસ્ટ અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સમગ્ર મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોને રંગબેરંગી લાઇટિંગ અને સુંદર શણગારથી શણગારવામાં આવ્યા છે. હાલમાં સામે આવેલા ડ્રોન વીડિયોમાં મા અંબાનું ધામ અત્યંત ભવ્ય અને દિવ્ય લાગી રહ્યું છે, જે જોઈને ભક્તો આનંદ અને આસ્થાની લાગણી અનુભવી રહ્યા છે.

ભક્તોનો અવિરત પ્રવાહ

ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થતાં જ લાખોની સંખ્યામાં ભક્તો મા અંબાના દર્શનાર્થે ઉમટી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં લગભગ 15 લાખ ભાવિકોએ મા અંબાના દર્શનનો લાભ લીધો છે, અને ભક્તોનો પ્રવાહ હજુ પણ અવિરત ચાલુ છે. મંદિર તરફ જતા તમામ રસ્તાઓ, ખાસ કરીને ગબ્બર રોડ, વિવિધ પ્રકારની પ્રતિકૃતિઓ અને લાઇટિંગથી શણગારવામાં આવ્યા છે, જે રાત્રિના સમયે અદભુત દ્રશ્યો સર્જી રહ્યા છે.

પ્રસાદ અને ભોજનની વ્યવસ્થા

દર્શનની સાથે સાથે ભક્તો માટે ભોજન અને પ્રસાદની પણ ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 2 લાખથી વધુ ભક્તોએ ભોજન પ્રસાદ લીધો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા 11 લાખથી વધુ મોહનથાળ અને 13 હજારથી વધુ ચીકીના પ્રસાદ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે. મેળા દરમિયાન ભંડાર કેન્દ્રોમાં 1 કરોડથી વધુની આવક નોંધાઈ છે. આ ભવ્ય શણગાર અને સુચારુ વ્યવસ્થા ભાદરવી મહાકુંભને વધુ પવિત્ર અને યાદગાર બનાવી રહ્યા છે.