Banaskantha: ધાનેરાના ફતેપુરા ગામમાં વર્ષોથી નથી ચગ્યો પતંગ, ગ્રામજનો ક્રિકેટ રમીને કરે છે ઉત્તરાયણની ઉજવણી

1999થી ગામના આગેવાનો દ્વારા બનાવવામાં આવેલા નિયમોનું પાલન થઈ રહ્યું છે, જેના કારણે કોઈ દુર્ઘટના ઘટી નથી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 14 Jan 2025 11:21 PM (IST)Updated: Tue, 14 Jan 2025 11:22 PM (IST)
banaskantha-news-this-village-ban-kite-flying-in-uttarayan
HIGHLIGHTS
  • પતંગ ચગાવતા પકડાય તો 11 હજાર રૂપિયાનો દંડ

Banaskantha: આજે 14 જાન્યુઆરીના રોજ ઉત્તરાયણના પર્વ પર સમગ્ર ગુજરાત પતંગમય બન્યું હતુ. આજે આખો દિવસ લોકોએ પતંગબાજી અને ઊંધિયા-જલેબીની જ્યાફત માણી અને અંધારું થતાં જ ધાબા પર ગરબા અને ભવ્ય આતશબાજી કરીને ઉત્તરાયણ માણી હતી. જો કે ગુજરાતનું એક એવું ગામ પણ છે, જ્યાં ઉત્તરાયણના દિવસે પતંગ ઉડાડવા પર દંડ ફટકારવામાં આવે છે.

હકીકતમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં આવેલું ફતેપુરા ગામ એકમાત્ર એવું ગામ છે, જ્યાં ઉત્તરાયણના દિવસે કોઈ પતંગ નથી ચગાવતું. આટલું જ નહીં, અન્ય કોઈ ગામનો યુવક પણ અહીં પતંગ ચગાવવા માટે આવી શકતો નથી.

ફતેપુરા ગામના મોટાભાગના ઘરની ઉપરથી જીવંત વીજ વાયર પસાર થાય છે. આ ઉપરાંત ઘણાં ઘરોના ધાબા પર પ્રોટેક્શન દિવાલ જ નથી. જેના કારણે અનેક બાળકો અને યુવાનો પતંગ ચગાવતી વખતે નીચે પટકાયા હતા, તો કેટલાક લોકો વીજળીના થાંભલા પરથી પતંગ ઉતારવા જતી વખતે ચોંટીને મોતને ભેટ્યા હતા.

આથી ગામના યુવાનો અને બાળકોના જીવ બચાવવા માટે 1999માં ગામના વૃદ્ધોએ એક વિશેષ નિયમ બનાવ્યો હતો. જે અંતર્ગત ગામનો કોઈ બાળક કે યુવક ઉત્તરાયણના દિવસે પતંગ નહીં ચગાવે, જો કોઈ પતંગ ઉડાવતા પકડાય તો તેની પાસેથી 11 હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. આ સાથે જ 5 બોરી અનાજનું દાન કરવું પડશે. ગ્રામજનો દ્વારા બનાવવામાં આવેલા આ કાયદાનું 1999થી કડક રીતે પાલન કરવામાં આવી રહ્યું છે.

જેથી 1999 બાદ આ નિયમનું ચુસ્ત પાલન કરવામાં આવતું હોવાથી આ ગામમાં ઉત્તરાયણના દિવસે કોઈ દુર્ઘટના નથી ઘટી. એકતરફ ઉત્તરાયણના દિવસે ગુજરાતના અન્ય જિલ્લા અને મોટા-મોટા શહેરોમાં લોકો આખો દિવસ ધાબા પર રહીને પતંગોત્સવની મજા માણે છે, ત્યારે ફતેપુરા ગામના લોકો ગાયને ચારો ખવડાવીને અથવા તો ક્રિકેટ રમીને ઉત્તરાયણનો પર્વ મનાવે છે.