ઠાકરશી રબારીની બે હાથ જોડીને સોશિયલ મીડિયામાં સંયમ જાળવવા વિનંતી, સમાજના યુવાનોને કહ્યું- 'એકતા જ આપણી સાચી ઓળખ'

મેં મારી મરજીથી મહાદેવ રબારી સાથે લગ્ન કર્યાં છે, હું સાસરીમાં સુખી છું. મહેરબાની કરીને મારા દીકરાને તેના મા-બાપથી અલગ ના કરશો: કંકુબેન

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 17 Mar 2026 09:06 PM (IST)Updated: Tue, 17 Mar 2026 09:06 PM (IST)
banaskantha-news-thakarshi-rabari-urge-peace-on-inter-caste-love-marriage-sparks-tension
HIGHLIGHTS
  • રબારી યુવક સાથે પ્રેમલગ્ન કરનાર ચૌધરી સમાજની દીકરીને પરત મેળવવા રૂણી ગામમાં મહાસંમેલન બોલાવાયું
  • બન્ને સમાજના વડીલો અને ઠાકરશી રબારી ચૌધરી સમાજની પાઘડી નીચી ના નમે તે પ્રમાણે નિર્ણય લેશે

Banaskantha: કિંજલ રબારીના આંતરજ્ઞાતિય લગ્નનો વિવાદ (Kinjal Rabari Marriage Controversy) સમી ગયા બાદ હવે રબારી સમાજના યુવક ચૌધરી સમાજની દીકરીના પ્રેમલગ્નનો વિવાદ ચગ્યો છે.

પોતાની દીકરીને પરત મેળવવા માટે રૂણી ગામમાં ચૌધરી સમાજનું સંમેલન મળવાનું છે. એવામાં રબારી સમાજના આગેવાન ઠાકરશી રબારીએ સોશિયલ મીડિયામાં વીડિયો મૂકીને બન્ને સમાજના યુવાનોએ બે હાથ જોડીને ટીકા-ટિપ્પણી કરવાથી દૂર રહેવાની અપીલ કરી છે.

મારી રબારી સમાજના યુવાનોને બે હાથ જોડીને વિનંતી

હકીકતમાં રૂણી ગામના પ્રેમલગ્નનો વિવાદ વકરતાં સોશિયલ મીડિયામાં સામ-સામે કોમેન્ટો કરવામાં આવી રહી છે. જેને લઈને ઠાકરશી રબારીએ સોશિયલ મીડિયામાં વીડિયો દ્વારા રબારી સમાજના યુવાનોને બે હાથ જોડીને વિનંતી કરી છે કે, બન્ને સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવી કોમેન્ટો ના કરશે.

ચૌધરી સમાજના યુવાનોએ ઠાકરશી રબારીએ જણાવ્યું કે, તમારે સામાજિક એકતા જોવી હોય, તો એકવાર આકોલીમાં આવો. ભગવાન રામની અયોધ્યા નગરી જેવું જ અમારું આકોલી ગામ છે. જ્યાં ચૌધરી, દલિત, સુથાર, નાઈ, પંચાલ, રબારી અને ગોસ્વામી સમાજ વસુધૈવ કુટુમ્બકમની ભાવના સાથે હળીમળીને રહે છે.

કોઈ પણ સમાજ ક્યારેય ખરાબ નથી હોતો, માત્ર એકાદ-બે ટકા આવા ભાગી જનારા તત્વો ખરાબ હોઈ શકે છે. જ્યારે આકોલી ગામમાં સૌ કોઈ એક પરિવારની ભાવનાથી રહે છે. બીજા ગામડાઓમાં જુદા-જુદા સમાજ માટે અલગ-અલગ સ્મશાન હોય છે, પરંતુ અમારા આકોલીમાં તમામ સમાજ માટે એક જ સ્મશાનભૂમિ છે.

ચૌધરી સમાજની પાઘડી ક્યાંય નીચી નહીં નમે (Thakarshi Rabari)

વધુમાં ઠાકરશી રબારીએ ચૌધરી સમાજના આગેવાનોને અપીલ કરતાં જણાવ્યું કે, રાધનપુરના અમથાભા ચૌધરી, રૂની ગામના ગંગારામબા ચૌધરી, બંધવડના જોધાભાઈ અને રૂનીના દેવસિંહભાઈ જેવા ચૌધરી સમાજના બે અને રબારી સમાજના વડીલો બધુ જ સમજે છે. એ તમારા સમાજની દીકરીના પરિવારને ન્યાય અપાવશે. આ આગેવાનો અને ઠાકરશી રબારી ચૌધરી સમાજની પાઘડી ક્યાંય નીચી ના નમે તે પ્રમાણે યોગ્ય નિર્ણય લેશે.

મારી ચૌધરી અને રબારી સમાજના યુવાનોને વિનંતી છે કે, સર્વ સમાજ એકતા અને ભાઈચારાથી રહે. આથી સોશિયલ મીડિયામાં કોઈની લાગણીને ઠેસ પહોંચે, તેવી ટીકા-ટિપ્પણી ના કરશે.

મેં મારી મરજીથી લગ્ન કર્યાં અને સાસરીમાં સુખી છું: કંકુબેન

જણાવી દઈએ કે, આજથી બે વર્ષ પહેલા ચૌધરી સમાજના કંકુબેને ઘરેથી ભાગીને મહાદેવ રબારી સાથે ભાગીને લગ્ન કરી લીધા હતા. આ લગ્નજીવન થકી કંકુબેનને સંતાનમાં એક વર્ષનો દીકરો પણ છે. એવામાં દીકરી પરત મેળવવા માટે ચૌધરી અને રબારી સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે આજે કંકુબેને એક વીડિયો બનાવીને ચૌધરી અને રબારી સમાજના આગેવાનોને બે હાથ જોડીને વિનંતી કરી છે.

કંકુબેને જણાવ્યું કે, મેં મારી મરજીથી જ લગ્ન કર્યાં છે અને હું મારી સાસરીમાં સુખી છે. અમને અલગ કરીને મારા દીકરાને મા-બાપ વગરનો ના કરશો. અમારા પરિવારનો માળો વીખાય નહીં, તે પ્રમાણે સમજી વિચારીને નિર્ણય લેજો.