Banaskantha: રબારી યુવક સાથે ભાગીને પ્રેમલગ્ન કરનાર ચૌધરી સમાજની દીકરીને પરત લાવવા માટે આજે રૂણી ગામમાં મળેલા મહાસંમેલન મળ્યું હતુ. જે બાદ રબારી યુવકના ઉણ ગામમાં પથ્થરમારા અને વાહનોમાં તોડફોડની હિંસક ઘટના ઘટી છે. એવામાં રબારી સમાજના આગેવાન ઠાકરશીએ વધુ એકવાર સોશિયલ મીડિયામાં વીડિયો મૂકીને શાંતિ જાળવવા માટે વિનંતી કરી છે.
ચૌધરી અને રબારી ભાઈચારાની ભાવનાથી રહેવાવાળો સમાજ
આ પણ વાંચો
ઠાકરશી રબારીએ પોતાના વીડિયોમાં રબારી સમાજના યુવાનોને વિનંતી કરતાં જણાવ્યું છે કે, આ મામલે કોઈ રસ્તો નીકાળવા માટે ચૌધરી સમાજના આગેવાનો લાગણીથી આપણી સાથે હતા. કોઈ સમાજ ખરાબ નથી હોતો, પરંતુ બે-પાંચ તત્વોએ ઉશ્કેરણી કરી હશે. આથી ચૌધરી કે અન્ય કોઈ સમાજ વિશે ગ્રુપમાં કોમેન્ટ ના કરશો.
આ સમયે શાંતિ અને સંયમ જાળવવો અત્યંત જરૂરી છે. સમજદારી અને સહનશીલતા જ સાચી શક્તિ છે. ગુજરાત પોલીસ શાંતિ અને વ્યવસ્થા જાળવવા સતત પ્રયત્નશીલ છે, ત્યારે આપણે પણ તેમને પુરતો સહયોગ આપવો જોઈએ.
ચૌધરી અને રબારી સમાજ ભાઈચારાની ભાવનાથી રહેવા વાળો છે. કોઈ પણ સમાજની ઈજ્જત આપણા વર્તનથી જ વધે છે. આથી ભાઈચારા અને શાંતિ સાથે એકતાનો દાખલો બનો. શાંતિમાં જ શક્તિ છે અને સંયમમાં સમ્માન છે. આથી સમાજ-સમાજ ક્યાંય સંઘર્ષ ના થાય તે માટે મારી આપ સૌને વિનંતી છે.
ઉણ ગામમાં રબારી અને ચૌધરી સમાજ સામસામે
રબારી સમાજની દીકરી એવી લોકગાયિકા કિંજલ રબારી તેના પરિવારને પરત આપ્યા બાદ ભાભરના રૂણી ગામે ચૌધરી સમાજની દીકરીને ભગાડી જનારા રબારી સમાજના દીકરા પાસેથી દીકરી પરત મેળવવા માટે આજે મહાસંમેલન મળ્યું હતુ. જે બાદ ચૌધરી સમાજના આગેવાનો પોતાની દીકરીને પરત લેવા માટે ઉણ ગામ પહોંચ્યા હતા. જ્યાં ચૌધરી અને રબારી સમાજ સામ-સામે આવી જતા સ્થિતિ વણસી હતી.
આ દરમિયાન ઉશ્કેરાયેલા ટોળા દ્વારા ઉણ ગામમાં લોકોના ઘરો ઉપર પથ્થરમારો કર્યો હતો અને લાકડીઓના ફટકા મારીને વાહનોમાં તોડફોડ કરી હતી. આ બાબતની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઉણ ગામમાં દોડી આવ્યો હતો. જ્યાં પોલીસે બેકાબુ બનેલા ટોળાને વિખેરવા માટે બળપ્રયોગ કરવા સાથે-સાથે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી.
આ ઘટનામાં 4થી વધુ પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે પોલીસ દ્વારા 35થી વધુ લોકોને ડીટેઈન કરીને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
ચૌધરી સમાજની પાઘડી નીચી ના નમે તેવો નિર્ણય લેવાશે
અગાઉ પણ ઠાકરશી રબારીએ સોશિયલ મીડિયામાં વીડિયો મૂકીને બન્ને સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવી કોમેન્ટો કરનારને ખબરદાર કર્યાં હતા. ઠાકરશી રબારીએ જણાવ્યું કે, આ બન્ને સમાજના વડીલો ભેગા મળીને દીકરીને ન્યાય અપાવશે. બન્ને સમાજના વડીલો તેમજ ઠાકરશી રબારી ચૌધરી સમાજની પાઘડી ક્યાંય નીચી ના નમે તે પ્રમાણે નિર્ણય લેશે. સર્વ સમાજ એકતા અને ભાઈચારાથી રહે તે માટે સોશિયલ મીડિયામાં કોઈની લાગણીને ઠેસ પહોંચે, તેવી ટીકા-ટિપ્પણી કરવાથી દૂર રહો.
