દીકરી માટે 'દંગલ': ઉણ ગામ 'સમરાંગણ'માં ફેરવાયું, તોફાની ટોળાને વિખેરવા ટીયર ગેસના સેલ છોડાયા; પોલીસે 35થી વધુને ડિટેઈન કર્યાં

રૂણી ગામમાં મહાસંમેલન બાદ ચૌધરી સમાજના યુવાનો પોતાની દીકરીને પરત લેવા માટે રૂણી ગામમાં પહોંચ્યા હતા. જ્યાં પોલીસના સમજાવવા છતાં ટોળું હિંસા પર ઉતરી આવતા બળપ્રયોગ કરવો પડ્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 18 Mar 2026 08:22 PM (IST)Updated: Wed, 18 Mar 2026 08:22 PM (IST)
banaskantha-news-inter-caste-marriage-row-sparks-violence-police-lathi-charge-and-used-tear-gas
HIGHLIGHTS
  • ઉણ ગામમાં લોકોના ઘર પર પથ્થરમારો, લાકડીઓ વડે વાહનોમાં તોડફોડ કરતાં તંગદિલી
  • પથ્થરમારામાં ચારેક પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત થયા, ટોળું બેકાબુ બનતા પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી

Banaskantha: આંતરજ્ઞાતિય પ્રેમલગ્ન કરનાર લોકગાયિકા કિંજલ રબારીને તેના પરિવારને પરત સોંપ્યા બાદ હવે રબારી સમાજના દીકરા સાથે ભાગીને પ્રેમલગ્ન કરનાર ચૌધરી સમાજની દીકરીને પરત મેળવવા માટે મક્કમ બનેલા ચૌધરી સમાજ દ્વારા આજે રૂણી ગામમાં મહાસંમેલન બોલાવવામાં આવ્યું હતુ. જે બાદ ઉણ ગામમાં પથ્થરમારો અને તોડફોડ થતાં ચારેક પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે.

હકીકતમાં રૂણી ગામમાં સંમેલન બાદ ચૌધરી સમાજના યુવાનો પોતાની દીકરીને પરત મેળવવા માટે ઓગડના ઉણ ગામે પહોંચ્યા હતા. જ્યાં ચૌધરી અને રબારી સમાજ વચ્ચે થયેલી માથાકૂટે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ઉશ્કેરાયેલા ટોળાએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ દરમિયાન વિફરેલા યુવાનોએ લાકડીના ફટકા મારીને ગામમાં રહેલી ગાડીઓમાં તોડફોડ કરી હતી.

રબારી યુવક સાથે પ્રેમલગ્ન કરનારી ચૌધરી સમાજની યુવતીને પરત મેળવવા માટે ગામના ઘરો પર ટોળાએ પથ્થરમારો કરતાં ગામનું વાતાવરણ તંગ બન્યું હતુ. આટલું જ નહીં, ઉશ્કેરાયેલા ટોળા દ્વારા હાઈવેને બ્લોક કરી દેવામાં આવ્યો હતો.

બીજી તરફ આ બનાવની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસની ટીમે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કરવાની તેમજ ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી.

naidunia_image

સમજાવીને ટોળાને ગામની બહાર લાવ્યા બાદ પાછળથી કોઈએ કાંકરીચાળો કર્યો

આ અંગે સામાજિક આગેવાન અણદા પટેલે જણાવ્યું કે, ચૌધરી સમાજ દ્વારા પોતાની દીકરીને પરત મેળવવા માટે જે માંગણી રજૂ કરવામાં આવી છે, તેને સંતોષવા માટે સમય માંગવામાં આવ્યો છે. આ બાબતે ઉણ સમાજના આગેવાનો ઉપરાંત રબારી અને ચૌધરી સમાજના અગ્રણી આગેવાનોની મિટિંગ મળવી જોઈએ, પરંતુ હાલ આવો સમય નહતો.

આથી અમે બે દિવસનો સમય માંગ્યો હતો. જે બાદ સમજાવટને અંતે ટોળાને ગામની બહાર લાવ્યા હતા. આ દરમિયાન પાછળથી કોઈએ કાંકરીચાળો કરતાં ઉશ્કેરાઈને ટોળાએ તોફાન કર્યું છે. જો કે હવે ઉન ગામમાં શાંતિ છે.

ચારેક પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત, 35થી વધુ લોકોને ડીટેઈન કરવામાં આવ્યા

આ અંગે બનાસકાંઠા રેન્જ IG પરીક્ષિતા રાઠોડે જણાવ્યું કે, જૂની બાબતને લઈને ચૌધરી સમાજના લોકોનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતુ. પોલીસની ટીમ દ્વારા સતત ત્રણેક કલાક સુધી લોકોને સમજાવવામાં આવ્યા હતા. આ દરમિયાન ટોળું અચાનક વિફરતાં તેમણે પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો. આથી પોલીસને પણ બળ પ્રયોગ કરવો પડ્યો છે.

પોલીસ દ્વારા ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા છે. આ ઘટનામાં ચારેક પોલીસ કર્મચારીઓને નાની-મોટી ઈજા પહોંચી છે. હાલ તો પોલીસ દ્વારા તોફાની ટોળા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સાથે 35થી વધુ લોકોને ડીટેઈન કરવામાં આવ્યા છે.