Banaskantha: રબારી યુવક સાથે પ્રેમલગ્ન કરનાર ચૌધરી સમાજની દીકરીને પરત લાવવા માટે આજે રુણી ગામમાં મહાસંમેલન મળ્યું હતુ. જેના પડઘા બનાસકાંઠા જિલ્લાના ઓગલ તાલુકાના ઉણ ગામમાં પડ્યા હતા. જેમાં ચૌધરી સમાજના યુવાનોએ ઉણ ગામ માથે લેતા પોલીસ દ્વારા ટોળાને વિખેરવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા.
હકીકતમાં આજથી બે વર્ષ પૂર્વે ભાભર તાલુકાના રુણી ગામની ચૌધરી સમાજની યુવતીએ ઉણ ગામના રબારી સમાજના યુવક સાથે ભાગીને પ્રેમલગ્ન કર્યાં હતા. આ દીકરીને પરત લાવવા માટે આજે રૂણી ગામમાં ચૌધરી સમાજનું મહાસંમેલન મળ્યું હતુ. જેમાં ઉત્તર ગુજરાત ઉપરાંત રાજસ્થાનના આંજણા ચૌધરી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઉણ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું
આ સંમેલન બાદ ચૌધરી સમાજના યુવાનો પોતાના સમાજની દીકરીને પરત લાવવા માટે રબારી યુવકના ઉણ ગામ પહોંચ્યા હતા. જ્યાં ઉશ્કેરાયેલા ચૌધરી સમાજના યુવકોએ ગામમાં પહોંચી તોડફોડ કરી હતી. જેના પગલે ગામમાં તંગદિલી છવાઈ જવા પામી હતી.
બીજી તરફ આ ઘટનાની જાણ થતાં પોલીસના ધાડેધાડા ઉણ ગામમાં ઉતારી દેવાયા હતા. જે બાદ પોલીસ દ્વારા તોફાની ટોળાને વિખેરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. ચૌધરી સમાજના યુવાનો દ્વારા દીકરીને પરત લાવવાની જિદ સાથે હાઈવે બ્લોક કરી દેવામાં આવ્યો હતો.
ઉણ ગામમાં તનાવની સ્થિતિને જોતા DySp અને PI સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થયા હતા. હાલ તો ટોળાને વિખેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ રબારી અને ચૌધરી એમ બન્ને સમાજના આગેવાનોએ યુવાનોને શાંતિ જાળવવા માટે અપીલ કરી છે.
કિંજલ રબારીના આંતર જ્ઞાતિય લગ્નથી વિવાદ વકર્યો
હકીકતમાં ગુજરાતી લોકગાયિકા કિંજલ રબારીએ ચૌધરી સમાજના યુવક સાથે પ્રેમલગ્ન કર્યાં હતા. જેના પગલે વિવાદ વકરતા રબારી અને ચૌધરી સમાજના આગેવાનોની મધ્યસ્થીને અંતે લોકગાયિકા પોતાના માતા-પિતાના ઘરે પરત ફરી હતી. જે બાદ રબારી યુવક સાથે પ્રેમલગ્ન કરનાર ચૌધરી સમાજની યુવતીને પરત મેળવવા માટે ચૌધરી સમાજ મેદાનમાં ઉતર્યો હતો.
