Banaskantha: સોની ટીવી પર આવતી કોમેડી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 17 વર્ષોથી લોકોને ભરપુર મનોરંજન પુરુ પાડી રહી છે. આ સીરિયલના તમામ પાત્રો ઘરે-ઘરે જાણીતા થઈ ચૂક્યા છે, ત્યારે કલાકાર મયુર વાકાણી અને શરદ સાંખલા આજે અંબાજી પહોંચ્યા હતા. જ્યાં તેમણે જગત જનની માઁ અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સીરિયલમાં સુંદર મામાની ભૂમિકા ભજવતા મયુર વાકાણી તેમજ ગોકુલ ધામના નાકે સોડા શૉપ ધરાવતા અબ્દુલ અર્થાત શરદ શાંખલા આજે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ શક્તિપીછ અંબાજી ધામ પહોંચ્યા હતા.
અહીં મંદિર ટ્રસ્ટ દ્વારા કલાકારોનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. જે બાદ મયુર વાકાણી અને શરદ શાંખલાએ ચાચર ચોક સ્થિત હવન શાળામાં નવચંડી યજ્ઞમાં પણ ભાગ લીધો હતો. અંબાજી ધામ પહોંચેલા બન્ને કલાકારોએ દેશ-વિદેશના માઈભક્તોને પોષી પૂનમે અંબાજી મંદિરમાં પધારવા માટે આમંત્રણ પણ આપ્યું હતુ
અગાઉ પણ તારક મહેતાના કલાકારો અંબાજીમાં માતાજીના દર્શન કરવા આવી ચૂક્યા છે
આ પહેલી વખત નથી, જ્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલના કોઈ કલાકાર અંબાજી આવીને માતાજીના દર્શન કર્યાં હોય. અગાઉ પણ સીરિયલના અબ્દુલ, સુંદર મામા, બાગા અને ઐય્યર ઉપરાંત બબીતાજી પણ માઁ અંબાના શરણે આવી ચૂક્યા છે.
જણાવી દઈએ કે, શ્રી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા 3 જાન્યુઆરી, 2026 શનિવારે પોષ સુદ પૂનમના રોજ અંબે માતાનો પ્રાગટ્ય મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માઁ જગદંબાને શાકોત્સવ યુક્ત અન્નકૂટ ધરાવવામાં આવશે. આ સાથે જ ભવ્ય શોભાયાત્રા નીકળશે. આ દિવસ માટે ખાસ 2100 કિલો સુખડીનો પ્રસાદ પણ બનાવવામાં આવ્યો છે.
