Ambaji Temple: દાંતા રાજવી પરિવારના પૂજાના હક માટે બ્રાહ્મણ સમાજ મેદાને, મુખ્યમંત્રી પાસે વિધાનસભામાં વિધેયક લાવવાની માંગ

બ્રાહ્મણ સમાજની માંગ છે કે જો કાનૂની ગૂંચ ઉભી થતી હોય તો રાજ્ય સરકારે વિધાનસભામાં વિશેષ વિધેયક લાવીને નીતિગત નિર્ણય લેવો જોઈએ.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Wed 31 Dec 2025 12:15 PM (IST)Updated: Wed 31 Dec 2025 12:15 PM (IST)
brahmin-community-demands-cm-introduce-bill-for-worship-rights-of-danta-royal-family-in-ambaji-temple-gujarat-665263

Ambaji Temple Controversy: વિશ્વપ્રસિદ્ધ શક્તિપીઠ શ્રી અંબાજી મંદિરમાં વર્ષોથી ચાલી આવતી ધાર્મિક પરંપરાઓ અને કાયદાકીય લડાઈ વચ્ચે હવે નવો વળાંક આવ્યો છે. આસો સુદ આઠમના દિવસે દાંતા રાજવી પરિવાર દ્વારા કરવામાં આવતી વિશેષ પૂજા-આરતીના હક પર હાઈકોર્ટે લગાવેલા નિષેધ સામે વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશને સખત વિરોધ નોંધાવ્યો છે. ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ હેમાંગ રાવલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને આ સનાતન પરંપરા યથાવત રાખવા રજૂઆત કરી છે.

વિધાનસભામાં વિધેયક લાવવા રજૂઆત

બ્રાહ્મણ સમાજની માંગ છે કે જો કાનૂની ગૂંચ ઉભી થતી હોય તો રાજ્ય સરકારે વિધાનસભામાં વિશેષ વિધેયક લાવીને નીતિગત નિર્ણય લેવો જોઈએ. હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, સનાતન હિંદુ ધર્મની આસ્થા કોઈને દાનમાં મળી નથી, પરંતુ તે સદીઓના ત્યાગ અને બલિદાનનું પરિણામ છે. ભૂતકાળમાં જ્યારે મોહનથાળનો પ્રસાદ બંધ કરાયો હતો ત્યારે પણ શ્રદ્ધાળુઓના રોષને કારણે નિર્ણય બદલવો પડ્યો હતો, જે પરંપરાની તાકાત દર્શાવે છે.

શું છે 900 વર્ષ જૂની પરંપરા?

દાંતા રાજ પરિવાર દ્વારા વિક્રમ સંવત 1136થી એટલે કે લગભગ 900 વર્ષથી વર્ષમાં માત્ર એક જ વાર આસો સુદ આઠમના દિવસે 'પલ્લી કરવટા'ની પૂજા કરવામાં આવે છે. વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા મુજબ, આ પૂજા વિધિ દરમિયાન મંદિર સામાન્ય દર્શનાર્થીઓ માટે બંધ રહેતું નથી. તેમજ આનાથી જાહેર વ્યવસ્થાનો કોઈ ભંગ થતો નથી. અને આવી શાંતિપૂર્ણ પરંપરા પર રોક લગાવવી તે હિંદુ સમાજની ધાર્મિક સ્વતંત્રતા પર સીધો પ્રહાર છે.

બંધારણીય અધિકારોનો હવાલો

ઓર્ગેનાઈઝેશને ભારતના બંધારણના અનુચ્છેદ 25 અને 26નો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, દરેક હિંદુ સમાજને પોતાની ધર્મ અને પરંપરા પાલન કરવાનો પૂર્ણ અધિકાર છે. દાંતા રાજપરિવારની આ પરંપરા ‘Essential Religious Practice’ (અનિવાર્ય ધાર્મિક પ્રથા) તરીકે માન્ય થવા યોગ્ય છે. પસંદગીયુક્ત રીતે કાનૂની પ્રક્રિયાનો દુરુપયોગ કરીને સનાતન ધર્મની પરંપરાઓને રોકવી તે બ્રાહ્મણ સમાજને સ્વીકાર્ય નથી. આ મામલે હવે રાજ્ય સરકાર શું વલણ અપનાવે છે અને આગામી આઠમના દિવસે પૂજાની મંજૂરી મળે છે કે કેમ, તેના પર સૌની મીટ મંડાયેલી છે.