Banaskantha: રાજ્ય સરકાર દ્વારા છેવાડાના અને અંતરિયાળ વિસ્તારના દરેક બાળક સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચાડવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસોના પરિણામે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના આદિવાસી વસ્તી ધરાવતા કેંગોરા ગામમાં લગભગ ૩૫ વર્ષ બાદ ફરી શાળાની ઘંટડી ગુંજી છે. વિદ્યાર્થીઓની અછતને કારણે વર્ષો અગાઉ બંધ થયેલી પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા પુનઃ શરૂ થતાં ગામમાં શિક્ષણના નવા અધ્યાયનો પ્રારંભ થયો છે.
અમીરગઢ તાલુકાના કેંગોરા ગામમાં પ્રાથમિક શાળા કાર્યરત ન હોવાથી ગામના આશરે 70 જેટલા બાળકોને અભ્યાસ માટે લગભગ 3 કિલોમીટર દૂર આવેલા ભાયલા ગામ સુધી જવું પડતું હતું. આવન- જાવનની મુશ્કેલી અને અન્ય પરિસ્થિતિઓના કારણે 6 થી 14 વર્ષની વયના અનેક બાળકોનો અભ્યાસ અધવચ્ચે છૂટી જતો હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં 50થી વધુ બાળકો અભ્યાસથી વંચિત રહ્યા હોવાની બાબત સામે આવી હતી.
આ પણ વાંચો
આ પરિસ્થિતિ બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ વસંતભાઈ પુરોહિતના ધ્યાને આવતાં તેમણે બાળકોના શિક્ષણના હિતમાં તાત્કાલિક પ્રયાસો હાથ ધર્યા હતા. રાજ્ય સરકારની સર્વસમાવેશક શિક્ષણની ભાવના અને જિલ્લા વહીવટી તંત્રના સંકલનથી કેંગોરા ગામ ખાતે ધોરણ 1 થી 5 સુધીના પેટા વર્ગનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખ વસંતભાઈ પુરોહિતના હસ્તે આ શૈક્ષણિક વ્યવસ્થાનો પ્રારંભ થતાં ગ્રામજનો અને બાળકોમાં આનંદની લાગણી છવાઈ હતી.
નવી શૈક્ષણિક વ્યવસ્થા શરૂ થતાં જ અગાઉ અભ્યાસ છોડી ચૂકેલા 38 જેટલા બાળકોએ ઉત્સાહપૂર્વક ફરી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. પેટા શાળાના પ્રારંભથી કેંગોરા ગામના 100થી વધુ બાળકો માટે ઘર આંગણે પ્રાથમિક શિક્ષણ મેળવવાનો માર્ગ સરળ બનશે. ખાસ કરીને અંતર અને આવન- જાવનની મુશ્કેલીના કારણે શિક્ષણથી વંચિત રહેતા બાળકો માટે આ નિર્ણય આશાનું નવું કિરણ બન્યું છે.
રાજ્ય સરકાર દ્વારા અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં શૈક્ષણિક સુવિધાઓ વધુ સુદૃઢ બનાવવાની દિશામાં કરવામાં આવી રહેલા પ્રયાસોના ભાગરૂપે કેંગોરા ગામમાં આગામી સમયમાં શાળાનું નવું મકાન તૈયાર કરી પૂર્ણ કક્ષાની નિયમિત પ્રાથમિક શાળા કાર્યરત કરવાની દિશામાં પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
લગભગ સાડા ત્રણ દાયકા બાદ કેંગોરા ગામમાં ફરી શાળાની ઘંટડી વાગી છે ત્યારે બાળકોના ચહેરા પર ભણવાની ખુશી અને વાલીઓમાં પોતાના સંતાનોના ઉજ્જવળ ભવિષ્યની નવી આશા જોવા મળી રહી છે. રાજ્ય સરકારના શિક્ષણને સર્વસુલભ બનાવવાના સંકલ્પ સાથે શરૂ થયેલી આ શાળા કેંગોરાના બાળકો માટે તેમના સપનાઓને નવી ઉડાન આપતું શિક્ષણનું નવું કેન્દ્ર બની રહેશે.
