Chandipura Virus: ગુજરાતમાં ચોમાસાનું આગમન થયું, તે સાથે જ ચાંદીપુરા વાયરસે માથું ઉચક્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાંદીપુરા સંક્રમિત દર્દીઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. જેને પગલે આરોગ્ય વિભાગ એલર્ટ છે, ત્યારે અત્યાર સુધી રાજ્યમાં ચાંદીપુરા વાયરસના 200થી વધુ શંકાસ્પદ કેસો નોંધાઈ ચૂક્યા છે.
ચાંદીપુરા વાયરસથી 23 દર્દીઓના મોત
આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, 30 જૂનથી 8 ઓગસ્ટ સુધીમાં ચાંદીપુરા વાયરસના 217 જેટલા શંકાસ્પદ કેસ નોંધાયા છે. જે પૈકી 208ના સેમ્પલના રિપોર્ટ આવી ચૂક્યા છે. જ્યારે 9 સેમ્પલના રિપોર્ટ હજુ સુધી આવ્યા નથી.
અત્યાર સુધી જે 208 સેમ્પલના રિપોર્ટ આવ્યા, તે પૈકી 39ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે ચાંદીપુરા વાયરસથી સંક્રમિત 23 બાળ દર્દીઓના અત્યાર સુધીમાં મોત નીપજ્યા છે. જો કે બાકી બચેલા 9 સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ આ આંકડામાં વધ-ઘટ થઈ શકે છે.
ચાંદીપુરા વાયરસના વધતા કેસને પગલે આરોગ્ય તંત્ર એલર્ટ
ગુજરાતમાં અલગ-અલગ ભાગોમાંથી ચાંદીપુરા વાયરસના કેસો સામે આવતા આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે. હાલ આરોગ્ય વિભાગની અલગ-અલગ ટીમો ગ્રાઉન્ડ લેવલ પર સતત સક્રિય રહીને કામગીરી કરી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા માટી કે કાચા મકાનોની તિરાડો પૂરવા માટે સલાહ આપવામાં આવી છે. તેમજ પશુપાલન ધરાવતા વિસ્તારોમાં જંતુનાશક દવાઓનો સઘન છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
બાળકોમાં લક્ષણો દેખાય, તો તબીબની સલાહ લો
આ ઉપરાંત તમામ સરકારી અને ખાનગી ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, વાયરસના લક્ષણો ધરાવતા દર્દીઓને તાત્કાલિક ઓક્સિજન અને વેન્ટિલેટર સુવિધા ધરાવતા ICU બેડમાં દાખલ કરીને સારવાર શરૂ કરવી, જેથી ‘મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોર’ જેવી ગંભીર સ્થિતિ અટકાવી શકાય.
હજુ સુધી ચાંદીપુરા વાયરસ સામે લડવા માટે કોઈ ચોક્કસ રસી ઉપલબ્ધ નથી. આથી બાળકોમાં તાવ, ઊલટી, ખેંચ આવવા જેવા ગંભીર લક્ષણો જણાય, તો સમયસર નજીકની હોસ્પિટલમાં લઈ જવું જોઈએ અને તબીબની સલાહ પ્રમાણે સારવાર મેળવવી જોઈએ. આ સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા વાયરસની પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
