Banaskantha:ગુજરાતના અલગ-અલગ સમાજોમાં આંતરજ્ઞાતિય લગ્નનો વિવાદ સમવાનું નામ નથી લઈ રહ્યો. અગાઉ ચૌધરી યુવક સાથે પ્રેમલગ્ન કરનાર લોકગાયિકાને તેના પરિવારને પરત સોંપાયા બાદ હવે ચૌધરી સમાજ રબારી યુવક સાથે ભાગીને પ્રેમલગ્ન કરનાર પોતાની દીકરીને પરત લાવવા માટે અલ્ટીમેટમ આપ્યું છે. એવામાં હવે પ્રજાપતિ સમાજના એક પિતાએ પોતાની દીકરીને પરત મેળવવા માટે વિનંતી કરી છે.
પ્રજાપતિ સમાજની દીકરીને ચૌધરી યુવક અમદાવાદથી ભગાડી ગયો
આ પણ વાંચો
હકીકતમાં થરાદ તાલુકાના ચોગડા ગામના ગોવિંદ પ્રજાપતિએ સોશિયલ મીડિયામાં વીડિયો થકી પોતાની વ્યથા ઠાલવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, મારી દીકરી અમદાવાદ ગઈ હતી, જ્યાંથી ગામનો ચૌધરી સમાજનો યુવક તેને ભગાડીને લઈ ગયો છે. મારી દીકરીને પરત મેળવવા માટે મેં ચાર વખત ગામ ભેગુ કર્યું, પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.
મારી તમામ સમાજને હાથ જોડીને વિનંતી છે કે, મને મારી છોકરી પાછી અપાવો. અમારે તમારી છોકરી નથી જોઈતી અને પાછી આપીશું એમ કરતાં-કરતાં 8-9 મહિના નીકળી ગયા છે. હવે તો મને મારવાની ધમકીઓ મળી રહી છે, જેના કારણે હું દૂધ ભરવા પણ નથી જઈ શકતો. હવે મને મારી છોકરી પાસે ફરિયાદ કરાવવાની ધમકી આપે છે અને કહે છે કે, તમે બધા જ જેલના સળિયા ગણતા થઈ જશો.
કિંજલ રબારી પરિવારને પરત સોંપાયા બાદ પોતાની દીકરી મેળવવા ચૌધરી સમાજ મક્કમ
ગુજરાતી લોકગાયિકા કિંજલ રબારીએ ચૌધરી સમાજના યુવક સાથે આંતરજ્ઞાતિય લગ્ન કરી લીધા હતા. જે બાદ કિંજલ રબારીએ સોશિયલ મીડિયામાં વીડિયો મૂકીને પોતે પ્રેમલગ્ન કર્યા હોવાથી જાનથી મારી નાંખવાની ધમકી મળી રહી હોવાની ફરિયાદ કરી હતી. આ સાથે જ કિંજલ રબારીએ હર્ષ સંઘવી અને શંકર ચૌધરી પાસે મદદ પણ માંગી હતી.
આ મામલે વિવાદ વકરતાં ચૌધરી અને રબારી સમાજના આગેવાનોએ મધ્યસ્થી કરતાં કિંજલ રબારી પોતાના પરિવાર પાસે પરત ફરી ગઈ હતી. જે બાદ રબારી યુવક સાથે ભાગીને પ્રેમલગ્ન કરનાર ચૌધરી સમાજની દીકરીને પરત લાવવા માટે ચૌધરી સમાજ મક્કમ બન્યો હતો. જેને લઈને રૂણી ગામમાં મહાસંમેલન પણ બોલાવવામાં આવ્યું હતુ.
18 માર્ચે મહાસંમેલન બાદ રોષે ભરાયેલા ચૌધરી સમાજના યુવાનો ઉણ ગામે પહોંચ્યા હતા, જ્યાં રબારી અને ચૌધરી સમાજના જૂથ સામસામે આવી જતાં ઘર્ષણ સર્જાયું હતુ. આ દરમિયાન તોફાની ટોળાએ લોકોના ઘર પર પથ્થરમારો કરવા સાથે વાહનોમાં તોડફોડ કરી હતી. જો કે પોલીસે બળપ્રયોગ અને ટીયર ગેસના સેલ છોડીને સ્થિતિ કાબૂમાં લીધી હતી. આ મામલે બન્ને સમાજના આગેવાનો અને સાધુ-મહંતો દ્વારા શાંતિની અપીલ કરવામાં આવી રહી છે.
(In Pic: ગોવિંદ પ્રજાપતિ અને કિંજલ રબારી)
