Banaskantha: શક્તિપીઠ અંબાજીમાં સોનાનું મોટું દાન, અમદાવાદના માઈભક્તે 100-100 ગ્રામની 5 લગડીઓ અર્પણ કરી

તાજેતરમાં શાકંભરી નવરાત્રિના પવિત્ર દિવસોમાં અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા માતાજીને કિંમતી હીરાથી જડિત સુવર્ણ મુકુટ અર્પણ કરવામાં આવ્યો હતો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 17 Jan 2026 04:37 PM (IST)Updated: Sat, 17 Jan 2026 04:37 PM (IST)
banaskantha-news-maa-ambe-devotees-from-ahmedabad-donates-rs-72-lakh-gold
HIGHLIGHTS
  • સોનાની 5 લગડીઓની અંદાજિત કિંમત 72 લાખની આસપાસ

Banaskantha: ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ શક્તિપીઠ જગતજનની મા અંબાના ધામમાં ભક્તોની અતૂટ આસ્થાના દર્શન અવારનવાર થતા રહે છે. એવામાં અમદાવાદના એક માઈભક્ત દ્વારા માતાજીના ચરણોમાં 500 ગ્રામ સોનાનું દાન અર્પણ કરવામાં આવ્યું છે. જેની અંદાજિત કિંમત રૂ. 72 લાખની આસપાસ થવા જાય છે.

100 ગ્રામ સોનાની 5 લગડીનું દાન
અમદાવાદના શ્રદ્ધાળુએ 100-100 ગ્રામની સોનાની પાંચેય લગડીઓ મંદિરની કચેરી ખાતે વિધિ સાથે સુપરત કરી હતી. 'આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ' દ્વારા આ દાનનો સ્વીકાર કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, નવા વર્ષની શરૂઆતથી જ અંબાજી મંદિરમાં દાનની સરવાણી વહી રહી છે. થોડા દિવસ અગાઉ શાકંભરી નવરાત્રિના પવિત્ર દિવસો દરમિયાન પણ અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા માતાજીને રૂ. 43 લાખથી વધુ કિંમતનો સુવર્ણ મુકુટ અર્પણ કરવામાં આવ્યો હતો. 620 ગ્રામ શુદ્ધ સોનામાંથી બનેલા આ મુકુટમાં કિંમતી રત્નો અને હીરા જડવામાં આવ્યા હતા.

જણાવી દઈએ કે, અંબાજી માત્ર ગુજરાત જ નહીં, પણ દેશ-વિદેશના લાખો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. અહીં પોષી પૂનમ જેવા ખાસ પ્રસંગોએ ભક્તો ઉદાર હાથે ભંડારો ભરે છે, જે શક્તિ અને ભક્તિના અનોખા સંગમ સમાન છે.

આમ છેલ્લા કેટલાક દિવસોમાં જ વિવિધ શ્રદ્ધાળુઓ દ્વારા હાર, મુકુટ અને અન્ય આભૂષણો સ્વરૂપે 1 કિલોથી વધુ સોનું મંદિર ટ્રસ્ટને પ્રાપ્ત થયું છે. ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થતા અથવા કૃતજ્ઞતાના ભાવરૂપે આવું કિંમતી દાન આપતા હોય છે.