Banaskantha, Ambaji Pragatya Utsav: ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં શાકંભરી નવરાત્રિના દિવસોને પગલે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. અંબાજીમાં જગતજનની માઁ અંબાના પ્રાગટ્ય મહોત્સવ પહેલા ભક્તો દ્વારા સોનાની કિંમતી ભેટ અર્પણ કરવામાં આવી છે.
હકીકતમાં 3 જાન્યુઆરીએ શનિવારના રોજ પોષ સુદ પૂનમએ અંબે માતાનો પ્રાગટ્ય દિવસ છે. જેને લઈને શ્રી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
માઁ અંબેના પ્રાગટ્ય મહોત્સવ પૂર્વે અમદાવાદ સ્થિત જય ભોલે ગ્રુપ દ્વારા રૂ. 43.51 લાખની કિંમતનો સોનાનો મુકુટ અર્પણ કરવામાં આવ્યો છે. કારીગરો દ્વારા 3 મહિનામાં 620 ગ્રામ સોનામાંથી આ મુકુટ બનાવવામાં આવ્યો છે. આ મુકુટમાં કિંમતી હીરા સહિતના રત્નો જડવામાં આવ્યા છે. માતાજીને સુવર્ણ મુકુટ અર્પણ કરવાની વિધિ સમયે જય ભોલે ગ્રુપના તમામ સભ્યો સહિત જિલ્લા કલેક્ટર અને DDO સહિતના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
જય ભોલે ગ્રુપ દ્વારા અવારનવાર અંબાજી મંદિરમાં ભેટ અર્પણ કરવામાં આવતી રહી છે. અગાઉ પણ આ ગ્રુપ દ્વારા સુવર્ણ પાદુકા, સોનાની કુંડળ તેમજ ચામર સહિતની કિંમતી વસ્તુઓ માતાજીને અર્પણ કરવામાં આવી ચૂકી છે. આ ગ્રુપના સભ્યનું કહેવુ છે કે, માતાજીના પ્રાગટ્ય પર્વના અવસરે તેમની સેવા કરવાનો આ એક ઉત્તમ લ્હાવો છે.
તારક મહેતાના કલાકારોએ માતાજીના દર્શન કર્યાં
અગાઉ લોકપ્રિય સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સીરિયલમાં સુંદર મામા અને અબ્દુલની ભૂમિકા ભજવતા કલાકારો મયુર વાકાણી અને શરદ શાંખલા પણ અંબાજી આવ્યા હતા. જેમણે માતાજીના દર્શન કરીને પ્રાગટ્ય મહોત્સવ માટે ભક્તોને આમંત્રણ આપ્યું હતુ.
