Banaskantha: બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠક પર આગામી 13 નવેમ્બરે મતદાન થઈ રહ્યું છે, ત્યારે કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વચ્ચે શાબ્દિક જંગ જોવા મળી રહ્યો છે. ગઈકાલે ગુલાબસિંહ રાજપૂતે વાવ વિધાનસભા બેઠક પર ભાજપ હરિફાઈમાં ના હોવાનું નિવેદન આપ્યું હતુ. જેના જવાબમાં આજે હર્ષ સંઘવીએ ગુલાબસિંહને આયાતી ઉમેદવાર ગણાવ્યા હતા.
બનાસકાંઠાના માડકા ગામમાં યોજાયેલી ચૂંટણી સભામાં કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે જનસભાને સંબોધતા જણાવ્યું કે, હાલ વાવ વિધાનસભા બેઠક પર મુખ્ય મુકાબલો કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે જ છે. આ પેટાચૂંટણીમાં ભાજપ તો હરિફાઈમાં જ નથી. જો કોઈ ભાજપ વિશે વિચારતું હોય, તો છોડી દે તેના ઉમેદવાર તો ચિત્રમાં જ નથી.
આ પણ વાંચો
બીજી તરફ આજે ડીસાની મુલાકાતે આવેલા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત જ વાવના નથી. આથી જનતા તેમને ક્યાંથી મત આપશે. કોંગ્રેસ પાર્ટીએ વાવને વિકાસથી વંચિત રાખવા માટે અનેક પ્રયાસ કર્યા છે. ભૂતકાળમાં આજ પાર્ટીએ નહેરનો વિરોધ કર્યો હતો. જ્યારે આજે ગામેગામ લીલાછમ છે.
ઉલ્લેખનીય છે કે, વાવ વિધાનસભા બેઠક પર ભાજપના સ્વરૂપજી ઠાકોર અને કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત વચ્ચે ખરાખરીનો જંગ છે. જો કે ભાજપના બળવાખોર અને ચૌધરી સમાજના અગ્રણી માવજી પટેલે છેલ્લી ઘડીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. વાવ બેઠક પર 3.10 લાખ મતદારો પૈકી 49,869 મતદારો ચૌધરી સમાજના હોવાથી પેટાચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જોવા મળશે.
