Banaskantha: આજે ગુજરાત સહિત સમગ્ર દેસમાં ભાઈ-બહેનના પવિત્ર પ્રેમને વ્યક્ત કરતા ભાઈબીજનો પર્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. એવામાં ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસાના મુડેઠા ગામમાં આગવી પરંપરા પ્રમાણે ભાઈબીજના આ પાવન પર્વની ઉજવણી કરવામાં આવી છે. જેમાં આજે 762 વર્ષથી ચાલી આવતી અશ્વદોડની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેને નિહાળવા માટે દૂર-દૂરથી લાખો લોકો મૂડેઠા ગામમાં ઉમટી પડ્યા હતા.
શું છે ઈતિહાસ?
વર્ષો અગાઉ મોગલોના આક્રમણથી રજવાડામાં ફૂટ પડવા લાગી. જેથી મોગલો એક પછી એક રજવાડા પર સામ્રાજ્ય સ્થાપવા લાગ્યા. આજ અરસામાં મોગલોએ રાજસ્થાનના ઝાલોરના રાજા વિક્રમસિંહ ચૌહાણ પર ચડાઈ કરી હતી. આથી વિક્રમસિંહ મોગલથી પોતાની પુત્રી ચોથબાને બચાવવા માટે નાથ બાબજી નામના એક સંતને સોંપી હતી. જેથી આ સંત ચોરીછૂપીથી ચોથબાને લઈને ડીસા તાલુકાના પેપળુ ગામે આવ્યા હતા.
આ પણ વાંચો
જ્યાં ચોથબા ઉંમર લાયક થતાં તેમના લગ્ન પેપળુના રાજવી પરિવારના દેવીસિંહ વાઘેલા સાથે નક્કી કરવામાં આવ્યા હતો. જો કે રાજસ્થાનથી આવેલા ચોથબાને પોતાનો કોઈ ભાઈ ના હોવાથી રાજપૂત કુળની દીકરીનું કન્યાદાન રાજપૂત ભાઈઓ દ્વારા જ કરવામાં આવે, તેવી માન્યતાને લઈ પેપળુ ગામની નજીકમાં જ આવેલા મૂઠેડા ગામના રાઠોડ પરિવારના ભાઈઓએ આગળ આવીને ચોથબાનું કન્યાદાન કર્યું હતુ.
ચોથબાના લગ્ન કરાવ્યા બાદ મુડેઠાના રાઠોડ પરિવારના ભાઈઓ દર બેસતા વર્ષે મુડેઠાથી ચુંદડી લઈ પેપળુ જતા અને ત્યાં રાત રોકાઈને બીજા દિવસે એટલે કે ભાઈબીજના રોજ પરત ફરતા હતા. આ સમયે મોગલોના આક્રમણથી બચવા માટે મુડેઠાના રાઠોડ પરિવારના ભાઈઓ બખ્તર ધારણ કરીને જતા હતા, જે આજે પણ હયાત છે.
આ પરંપરાને આજે આટલા વર્ષો પછી પણ રાઠોડ પરિવારના ભાઈઓએ જાળવી રાખી છે. મડેઠામાં યોજાતી આ અશ્વદોડમાં લગભગ 100થી વધુ અશ્વો ભાગ લે છે. મુડેઠા ગામમાં 762 વર્ષથી યોજાતી આ અશ્વદોડમાં ઝડપી અશ્વોની રફતાર જોવા માટે દૂર દૂરથી હજારો લોકો ઉમટી પડે છે.
અશ્વોની રફતાર અને શૌર્યતાના આ સમન્વયને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઊમટી પડતા હોવાથી કાયદો અને વ્યવસ્થા જાળવવી ખૂબ જ અઘરી બની જતી હોય છે. જો કે આ અશ્વદોડની ખાસિયત એ છે કે, આટલી મોટી સંખ્યામાં જનમેદની ઊમટી પડતી હોવા છતાં અહીં કોઈપણ જાતના પોલીસ-બંદોબસ્તની જરૂર પડતી નથી. મુડેઠા ગામના રાઠોડ પરિવારના મુઠ્ઠીભર ઘરો જ આ આખા પ્રસંગની સુરક્ષાની જવાબદારી પોતાના માથે લઇ લે છે.
