પાલનપુરમાં 'લાડલી ગિફ્ટ યોજના' અંતર્ગત 10 દીકરીઓને અનોખી ભેટ, સુરક્ષિત ભવિષ્ય માટે રૂ.25 હજારની ફિક્સ ડિપોઝિટ અર્પણ કરાઈ

નાનકડું બીજ આજે વટવૃક્ષ બન્યું: મેડિકલ ક્ષેત્રે સેવા આપતી દીકરીઓ સંસ્થાની સફળતાનું પ્રતીક - જિલ્લા કલેક્ટર મિહિર પટેલ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 07 Mar 2026 01:01 AM (IST)Updated: Sat, 07 Mar 2026 01:01 AM (IST)
banaskantha-news-10-girls-honoured-under-ladli-gift-scheme-with-rs-25000-fixed-deposit-in-palanpur
HIGHLIGHTS
  • મહિલા કલા-નિધિ ટ્રસ્ટ, કાણોદર દ્વારા દીકરીઓના જીવનમાં ઉજાસ લાવતું અભિયાન

Banaskantha: પાલનપુર સ્થિત બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને 'પાલનપુર લાડલી ગિફ્ટ યોજના' અંતર્ગત શ્રેષ્ઠ દસ દીકરીઓને પાલનપુર લાડલી ગિફ્ટ યોજનાની ભેટ, તેજસ્વી સન્માન કાર્યક્રમ યોજાયો હતો.

મહિલા કલા-નિધિ ટ્રસ્ટ, કાણોદર પ્રેરિત આ ઉપક્રમે બનાસકાંઠા જિલ્લામાંથી પસંદગી પામેલ દસ દીકરીઓને પ્રતિ દીકરી રૂ. 25,000ની પ્રોત્સાહક ભેટ રૂપે ફિક્સ ડિપોઝિટ અર્પણ કરવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં 'આવો, દીકરી જન્મના વધામણા કરીએ' સંદેશ સાથે મહિલા સશક્તિકરણ અને દીકરીઓના સન્માનના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત જિલ્લા કલેક્ટરના વરદહસ્તે યાના પટેલ, રાધિકા પટેલ, નિક્ષા બારોટ, પિન્ટુબેન તથા સંજના ઐઠોરાને તેમની સિદ્ધિઓ બદલ તેજસ્વી સન્માન એનાયત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર નાગરિકોના કલ્યાણ માટે વિવિધ વિકાસકાર્યો અમલમાં મૂકે છે, ત્યારે સરકાર સાથે અનેક સેવાભાવી સંસ્થાઓ પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવી સંસ્થાઓને પ્રોત્સાહન અને સહયોગ આપવામાં આવે છે.

naidunia_image

જિલ્લા કલેકટર કચેરી ખાતે વર્ષોથી મહિલા કલા-નિધિ ટ્રસ્ટ દ્વારા અહીં કાર્યક્રમો યોજાતા રહ્યા છે, જે સંસ્થાની વિશ્વસનીયતા અને સમાજમાં કરેલી સાર્થક કામગીરીનું પ્રતિબિંબ છે. સંસ્થા બાળાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકે છે અને દીકરીઓના નામે મુકાયેલી ડિપોઝિટ પર મળતા વ્યાજથી રકમ વધતી જાય છે, જેના કારણે અનેક દીકરીઓને ભણતર અને જીવનમાં આગળ વધવાની તક મળી છે. આજે એવી જ એક બહેન મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ પૂર્ણ કરીને નર્સિંગ ક્ષેત્રે સેવા આપી રહી છે, જે સંસ્થાના પ્રયત્નોની સફળતા દર્શાવે છે.

વધુમાં કલેક્ટરે જણાવ્યું કે,સંસ્થાનું લક્ષ્ય 101 બાળાઓ માટે ડિપોઝિટ કરવાની યોજના પૂર્ણ કરવાનો છે, જેમાં પાંચ બાળાઓ માટે દાતાઓની જરૂર છે અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી આ કાર્ય પૂર્ણ કરવા પૂરતો સહયોગ આપવામાં આવશે.

આગામી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તેમણે બનાસકાંઠા જિલ્લાના તમામ મહિલાઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા અને બનાસકાંઠાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કાર્યરત બહેનોને શુભેચ્છાઓ આપી.

તેમણે જણાવ્યું કે મહિલા દિવસના આ અવસરે પુણેમાંથી પધારેલા એક પ્રોફેસરશ્રીએ માત્ર ૩.૫ મહિનાની દીકરીને દત્તક લઈને તેના ભવિષ્યને નવી દિશા આપવાનો પ્રશંસનીય નિર્ણય કર્યો છે, જે સમાજ માટે પ્રેરણારૂપ છે. અંતમાં તેમણે તમામ બહેનોને મહિલા દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

પાલનપુર ખાતે દર વર્ષે 8મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરના વરદહસ્તે પાલનપુર લાડલી ગિફ્ટ યોજના અંતર્ગત પાંચ કે તેથી વધુ દીકરીઓને પ્રતિ દીકરી રૂ. 25,000ની ફિક્સ ડિપોઝિટ સ્વરૂપે ભેટ અર્પણ કરવામાં આવે છે.

વર્ષ 2012થી શરૂ કરાયેલી આ યોજનાને મુંબઈ સ્થિત ડૉ. વિકમભાઈ એમ. મહેતા મિત્રવર્તુળ-પરિવાર તરફથી અનુદાનિત કોર્પસ ફંડમાંથી છેલ્લા 15 વર્ષથી સતત સહયોગ મળી રહ્યો છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 86 જરૂરિયાતમંદ દીકરીઓને લાભાન્વિત કરવામાં આવી છે.

પાલનપુર લાડલી ગિફ્ટ યોજના અંતર્ગત ત્યજી દેવાયેલી અથવા દત્તક લેવાયેલી દીકરીઓ, તેમજ જેના માતા-પિતા ગંભીર બીમારીથી પીડાતા હોય, અશક્ત અથવા દિવ્યાંગ હોય અથવા જેમના માતા-પિતાનું આકસ્મિક અવસાન થયું હોય તેવી બનાસકાંઠા જિલ્લાની એકથી પાંચ વર્ષની દીકરીઓને આર્થિક સહાય આપવામાં આવે છે. મુંબઈ સ્થિત પાલનપુરના જૈન શ્રેષ્ઠીઓના સહયોગથી મહિલા કલા-નિધિ ટ્રસ્ટ, કાણોદર દ્વારા આ અભિયાન ચલાવવામાં આવે છે.

દીકરીઓના નામે મુકવામાં આવતી રૂ. 25,000ની ફિક્સ ડિપોઝિટ રકમ 18 વર્ષની ઉંમર પૂર્ણ થાય ત્યાં સુધી સુરક્ષિત રાખવામાં આવે છે અને તેનો ઉપયોગ માત્ર ઉચ્ચ શિક્ષણ, લગ્ન પ્રસંગ અથવા આરોગ્ય સંબંધિત જરૂરિયાતો માટે જ કરવાની શરત સાથે આ યોજનાનો લાભ આપવામાં આવે છે.