Banaskantha: અંબાજીમાં સરકારી હોસ્પિટલના OTમાં ડિલિવરીના દ્રશ્યો સોશિયલ મીડિયામાં મૂકવાનો આક્ષેપ, મહિલા તબીબને નોટિસ ફટકારાઈ

અંબાજીની સરકારી હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટ ડૉ. કિંજલ પરીખે સિઝેરિયન ડિલિવરીનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતાં વિવાદ થયો છે. દર્દીની ગોપનીયતા ભંગ અને મેડિકલ એથિક્સના ઉલ્લંઘન બદલ તેમને નોટિસ ફટકારવામાં આવી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 22 Nov 2026 10:08 PM (IST)Updated: Sun, 22 Nov 2026 10:08 PM (IST)
banaskantha-female-doctor-served-notice-for-posting-delivery-video-from-ambaji-government-hospital-ot-on-social-media

Banaskantha: બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી સ્થિત સબ ડિસ્ટ્રીક્ટ સરકારી હોસ્પિટલના ઓપરેશન થિયેટરની ગોપનીયતા ભંગ થવાનો એક ગંભીર મામલો સામે આવ્યો છે. હોસ્પિટલના ગાયનેકોલોજી વિભાગમાં થતી સિઝેરિયન ડિલિવરી (LSCS) દરમિયાન શૂટિંગ અને ફોટોગ્રાફી કરીને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી હોવાના આક્ષેપોને લઈને વિવાદ વકરતા તબીબને નોટિસ ફટકારવામાં આવી છે.

ઑપરેશન થિયેટરમાં ચાલુ સર્જરીની પ્રક્રિયાનો વીડિયો મૂકવાનો આક્ષેપ

અંબાજીની સરકારી હોસ્પિટલમાં ડેપ્યુટેશન પર સેવા આપી રહેલા ગાયનેકોલૉજિસ્ટ ડૉ. કિંજલ પરીખ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી પોસ્ટને લઈને સવાલો ઉઠ્યા છે. આ પોસ્ટમાં ઓપરેશન થિયેટરની અંદર ટેબલ પર રહેલી પ્રસૂતા મહિલા તેમજ ચાલુ સર્જરીની સંવેદનશીલ પ્રક્રિયાના દ્રશ્યો જાહેર કરવામાં આવ્યા હોવાનો દાવો થઈ રહ્યો છે.

ગત 19 નવેમ્બરે એક પ્રસુતાની સર્જરી વખતનું આ વીડિયો રેકોર્ડિંગ ડૉ. કિંજલ પરીખે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો હતો. જે બાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થતો સમગ્ર મામલો પેચિદો બન્યો છે. ઓપરેશન થિયેટર જેવા સંવેદનશીલ વિસ્તારમાં મોબાઇલ દ્વારા વીડિયો ઉતારવાની છૂટ કોણે આપી, તે અંગે પ્રશ્નો ઉભા થયા છે.

દર્દીની સંમતિ મેળવવી જરૂરી, જવાબદાર મહિલા તબીબને નોટિસ ફટકારાઈ

ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલના 2002ના નિયમો મુજબ, ડોક્ટરો માટે ચોક્કસ નૈતિક મર્યાદા નક્કી કરાયેલી છે. જે અંતર્ગત દર્દીની ગોપનીય માહિતી ગુપ્ત રાખવાની જવાબદારી તબીબીની નક્કી કરવામાં આવી છે. આ સાથે જ દર્દીની ઓળખ છતી થાય તેવી તસવીરો કે કેસની વિગતો પ્રકાશિત કરતાં પહેલા તેમની સંમતિ મેળવવી અનિવાર્ય માનવામાં આવી છે.

ડૉ. કિંજલ પરીખના આ વીડિયોનો વિવાદ વકરતાં હોસ્પિટલ તંત્ર હરકતમાં આવ્યું છે. હોસ્પિટલના ઈન્ચાર્જ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. પિયુષ મોદીએ જણાવ્યું કે,

ઓપરેશન થિયેટરમાં મોબાઇલ લઈ જવાની મનાઈ છે. આ વીડિયોને કારણે દર્દીઓની ગોપનીયતા અને હોસ્પિટલની ગરિમાને નુકસાન પહોંચ્યું છે. અમે ડૉ. કિંજલ પરીખને નોટિસ ફટકારી છે અને હવે પછીની કાર્યવાહી ગાંધીનગર કક્ષાએથી કરવામાં આવશે.