Ahmedabad Women Job Fair: રાજ્ય સરકારના ‘વિકસિત ગુજરાત @ 2047’ના મહત્વાકાંક્ષી વિઝન હેઠળ ‘મહિલા નેતૃત્વ હેઠળના વિકાસ’ અને શ્રમબળમાં મહિલાઓની ભાગીદારી વધારવાના સંકલ્પને સાકાર કરવાની દિશામાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, અમદાવાદ દ્વારા સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (મહિલા), મણિનગર ખાતે ‘મહિલા વિશેષ રોજગાર ભરતી મેળા’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 94 મહિલાઓને નોકરીની તક મળી છે.
‘વિકસિત ગુજરાત @ 2027’ના લક્ષ્ય મુજબ દેશના શ્રમબળમાં મહિલાઓની ભાગીદારી વધારવાના સંકલ્પમાં ગુજરાત અગ્રેસર ભૂમિકા ભજવી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા મહિલા ITI દ્વારા આધુનિક ટેકનિકલ તાલીમ, તેમજ સખી મંડળો અને સ્વ-રોજગારલક્ષી યોજનાઓ થકી મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
આ મહિલાઓ માટેનો વિશેષ ભરતી મેળો પણ રાજ્ય સરકારના આ જ પ્રયાસોનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જેનો ઉદ્દેશ્ય શિક્ષિત અને કૌશલ્ય ધરાવતી મહિલાઓને ઘરઆંગણે જ સન્માનજનક રોજગારીની તકો પૂરી પાડવાનો છે.
આ રોજગાર મેળામાં સર્વિસ સેક્ટર અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરના કુલ 12 જાણીતા ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ પોતાની વિવિધ 184 ખાલી જગ્યાઓની ભરતી માટે ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ શહેર અને જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાંથી કુલ 150થી વધુ મહિલા રોજગારવાંચ્છુ ઉમેદવારોએ આ ભરતી મેળામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ઉપસ્થિત નોકરીદાતાઓ દ્વારા ઉમેદવારોના રૂબરૂ ઇન્ટરવ્યુ લઈને સ્થળ પર જ 94 મહિલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. સમગ્ર ભરતી મેળાનું સંચાલન મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, તેમજ મહિલા ITI, મણિનગરના સહયોગથી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું.
