Chaitra Navratri Ambaji Festival 2026: વિશ્વવિખ્યાત શક્તિપીઠ અને યાત્રાધામ અંબાજી ખાતે ચૈત્રી નવરાત્રીના પાવન અવસરે બે દિવસીય ‘અંબાજી ઉત્સવ’નો ઉત્સાહભેર પ્રારંભ થયો છે. અંબાજી મંદિરમાં આ મહોત્સવને અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
સાંસ્કૃતિક અને ભક્તિમય કાર્યક્રમોની રમઝટ
રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આ અંબાજી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં માઈભક્તો અને કલા પ્રેમીઓ ઉમટી પડ્યા હતા. ઉત્સવના પ્રથમ દિવસે કલાકારોની પ્રસ્તુતિએ ચાચર ચોકમાં ભક્તિમય માહોલ સર્જ્યો હતો.
આ કાર્યક્રમમાં ભવ્ય અને આધ્યાત્મિક માહોલ વચ્ચે સાહિત્યકાર માયાભાઈ આહીરે પોતાની આગવી શૈલીમાં લોકસાહિત્ય અને હાસ્યરસની સરવાણી વહાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ ઉપરાંત, ઇન્દિરાબેન શ્રીમાળીએ ભાવભીની ભક્તિ સંગીતની રજૂઆત કરી હતી.
આ ઉપરાંત ચાચર ચોક ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રમિંદર ખુરાનાએ ઓડીસી નૃત્યની કલાત્મક અભિવ્યક્તિ દ્વારા દર્શકોને મોહી લીધા હતા. જ્યારે કલ્પેશ દવે દ્વારા માતાજીની સ્તુતિ રજૂ કરવામાં આવી હતી, અને નૃત્યેશ્વરી કલાવૃંદ દ્વારા રાસ મહોત્સવની રંગત જમાવી હતી.
ઉત્સવનો મુખ્ય હેતુ અને આગામી આયોજન
આ પ્રસંગે અંબાજી વહીવટદાર કૌશિક મોદીએ જણાવ્યું હતું કે, ચૈત્રી નવરાત્રીના આ પાવન અવસરે માઈભક્તોમાં ભક્તિ, સાંસ્કૃતિક જાગૃતિ અને પરંપરાગત મૂલ્યોનો પ્રસાર થાય તે હેતુથી આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેનાથી અંબાજી યાત્રાધામની ઓળખ વધુ મજબૂત બને છે.
આ પણ વાંચો: ચૈત્રી નવરાત્રી નિમિત્તે 'અંબાજી ઉત્સવ'નું આયોજન, ચાચર ચોકમાં બે દિવસ સુર-તાલની રમઝટ જામશે
આ બે દિવસીય મહોત્સવના બીજા દિવસે પણ લોક ગાયકો, ભજન મંડળો અને વિવિધ કલાવૃંદો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની રંગત જામવાની છે. આ ઉત્સવ ભક્તિ, સંસ્કૃતિ અને લોક કલાકૃતિનો અનોખો સંગમ બની યાત્રાળુઓ માટે એક યાદગાર અનુભવ બની રહ્યો છે.
