તરણેતરનો વિશ્વપ્રસિદ્ધ મેળો 14થી 17 સપ્ટેમ્બર યોજાશે: ગ્રામીણ ઓલિમ્પિક સાથે ખેલ અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ, 180 સફાઈ કર્મીઓ ખડેપગે રહેશે

વિશ્વપ્રસિદ્ધ તરણેતરનો મેળો સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ નજીક આવેલા પવિત્ર ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં તા. 14 થી 17 સપ્ટેમ્બર દરમિયાન યોજાવા જઈ રહ્યો છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 11 Sep 2026 11:12 AM (IST)Updated: Fri, 11 Sep 2026 11:12 AM (IST)
tarnetar-melo-2026-gujarat-famous-fair-from-september-14-to-17-date-venue-and-details

Tarnetar Melo 2026: ગુજરાતની સંસ્કૃતિ, લોકજીવન અને પરંપરાગત વારસાનું પ્રતીક ગણાતો વિશ્વપ્રસિદ્ધ તરણેતરનો મેળો સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ નજીક આવેલા પવિત્ર ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં તા. 14 થી 17 સપ્ટેમ્બર દરમિયાન યોજાવા જઈ રહ્યો છે. લોકમેળાના રંગબેરંગી માહોલમાં લોકસંગીત અને રાસ-ગરબાની રમઝટ સાથે રમતગમતનો ઉત્સાહ પણ છવાશે. રાજ્યની દેશી અને પરંપરાગત રમતોને પ્રોત્સાહન આપવા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે તરણેતરના આંગણે 21મી ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું છે, જે ગ્રામ્ય યુવાનોને પોતાની રમતપ્રતિભા દર્શાવવા સશક્ત મંચ પૂરું પાડશે.

તરણેતરનો મેળો લોકકલા અને લોક પરંપરાની ઓળખ

તરણેતરનો મેળો ઝાલાવાડની લોકપરંપરા, લોકકલા અને ગ્રામ્ય જીવનશૈલીની આગવી ઓળખ ધરાવે છે. તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળ દરમિયાન સાંસ્કૃતિક અને પ્રવાસન ક્ષેત્રે મળેલા પ્રોત્સાહનથી આ પૌરાણિક મેળાને વૈશ્વિક ઓળખ મળી છે. અહીં વિશિષ્ટ સુવિધાઓ, ગ્રામીણ ઓલિમ્પિક અને પશુ પ્રદર્શન સ્પર્ધાઓ જેવાં આયોજનોથી લોકસંસ્કૃતિ, રમતગમત અને પ્રવાસનનો ત્રિવેણી સંગમ રચાયો છે.

ત્રણ દિવસીય ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન

આ અંગે સુરેન્દ્રનગરના જિલ્લા રમત વિકાસ અધિકારી પાર્થ ચૌહાણે જણાવ્યું હતું કે, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા તા. 14, 14 અને 16 સપ્ટેમ્બર દરમિયાન ત્રણ દિવસીય ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરાયું છે. આ સ્પર્ધાઓમાં એથ્લેટિક્સની 100, 200 અને 400 મીટરની દોડ ખેલાડીઓની સ્ફૂર્તિની કસોટી કરશે, જ્યારે લંગડી અને કબડ્ડી ટીમભાવના તથા ચપળતા ચકાસશે. આ ઉપરાંત માટલા દોડ, લાડવા ખાવાની હરીફાઈ અને સ્ટ્રોંગમેન સ્પર્ધા મેળામાં વિશેષ આકર્ષણ જમાવશે. દરેક રમતના વિજેતાઓને સ્થળ પર જ રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે.

વિજેતાઓને પ્રોત્સાહિત કરવા પુરસ્કાર અપાશે

ગામડાંના મેદાનોમાં પોતાની કુશળતા કેળવનારા યુવાનોને મોટા આયોજનમાં પોતાની પ્રતિભા દર્શાવવાની તક આપવી એ આ આયોજનનું મુખ્ય ધ્યેય છે. વિજેતાઓને તાત્કાલિક બહુમાન અને રોકડ પુરસ્કાર મળવાથી ખેલાડીઓમાં સ્પર્ધાત્મક ભાવના તથા ઉત્સાહ વધશે. આ રમતોત્સવ ગુજરાતની પરંપરાગત રમત સંસ્કૃતિને નવી પેઢી સાથે જોડવાનું કાર્ય કરશે. દેશી રમતોને આવા લોકમેળામાં સ્થાન મળવાથી સાંસ્કૃતિક વારસાનું સંવર્ધન થશે, સાથે જ યુવાનોમાં શારીરિક તંદુરસ્તી, શિસ્ત, ટીમવર્ક અને ખેલદિલીની ભાવના કેળવાશે.

સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાંથી આવતા ખેલાડીઓ અને રમતપ્રેમીઓ માટે આ આયોજન આકર્ષણ જન્માવશે. ભક્તિ, સંસ્કૃતિ અને ખેલદિલીના સંગમ સમાન આ મેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પર્ધકો અને દર્શકો માટે જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે, જેથી આ ખેલ મહોત્સવ ઉત્સાહપૂર્વક અને યાદગાર રીતે સંપન્ન થાય.

મેળામાં વ્યાપક સફાઈ ઝુંબેશ શરુ કરાઈ છે

આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિપ્રાપ્ત આ ઉત્સવમાં દેશના ખૂણેખૂણેથી તેમજ વિદેશમાંથી પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ, પ્રવાસીઓ અને સંશોધકો ઉમટી પડે છે. આટલી વિશાળ જનમેદની એકત્ર થતી હોવાથી સમગ્ર મેળા પરિસરમાં તથા આસપાસના વિસ્તારોમાં ઉત્કૃષ્ટ સ્વચ્છતા અને આરોગ્યપ્રદ વાતાવરણ જાળવી રાખવું અત્યંત જરૂરી છે. આ બાબતને પ્રાથમિકતા આપીને તરણેતર ગ્રામ પંચાયત દ્વારા મેળાની શરૂઆત પૂર્વેથી જ વ્યાપક સફાઈ ઝુંબેશ અને સુગ્રથિત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

180 સફાઈ કર્મચારીઓ તૈનાત કરાશે

મેળા પરિસરમાં લોકોની અવરજવર સતત ચાલુ રહેતી હોવાથી સફાઈ કાર્યને અમુક ચોક્કસ સમય કે ક્ષણ પૂરતું સીમિત રાખવાના બદલે 24 કલાક અવિરત ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. તરણેતરના તલાટી-કમ-મંત્રી એચ. જી. જોગરાણાના જણાવ્યા અનુસાર, આ સમગ્ર વ્યવસ્થાને સુચારુ રૂપે ચલાવવા માટે કુલ 180 તાલીમબદ્ધ સફાઈ કર્મચારીઓની ટીમ તૈનાત કરવામાં આવી છે. આ કર્મચારીઓ મેળાના વિવિધ ઝોન, મુખ્ય માર્ગો, ખાણી-પીણીના સ્ટોલ્સ, સાંસ્કૃતિક કાર્યક્રમના સ્થળો અને મંદિર પરિસર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં સ્વચ્છતાની સ્થિતિ પર સતત નજર રાખશે અને ગંદકી દૂર કરવાની કામગીરી સંભાળશે.

તરણેતર ગ્રામીણ ઓલિમ્પિક: સ્પર્ધાઓનો દૈનિક કાર્યક્રમ

પ્રથમ દિવસ તા. 14/09/2026
16 વર્ષ સુધીના ભાઈઓ-બહેનો: 100 મીટર, 200 મીટર, 800 મીટર દોડ અને લાંબી કૂદ
12 વર્ષના બાળકો ભાઈઓ-બહેનો: લંગડી (9 ખેલાડીઓની ટીમ)
ઓપન કેટેગરી ભાઈઓ-બહેનો: 100 મીટર, 400 મીટર, 800 મીટર દોડ, 4 x 100 મીટર રિલે દોડ, ગોળાફેંક અને લાંબી કૂદ

બીજો દિવસ તા. 15/09/2026
ઓપન કેટેગરી બહેનો: 50 મીટર માટલા દોડ, વોલીબોલ (10 ખેલાડીઓ) અને કબડ્ડી (10 ખેલાડીઓ).
ઓપન કેટેગરી ભાઈઓ: નારિયેળ ફેંક, વોલીબોલ (10 ખેલાડીઓ), કબડ્ડી (10 ખેલાડીઓ), સ્ટ્રોન્ગેસ્ટમેન, ખાંડના લાડવા ખાવાની હરીફાઈ અને સાતોડી (નારગોલ)

ત્રીજો દિવસ તા. 16/09/2026
16 વર્ષ સુધીના ભાઈઓ-બહેનો: દોરડાકૂદ (રોપ સ્કીપિંગ)
ઓપન કેટેગરી ભાઈઓ કુસ્તી: 45થી 55 કિગ્રા, 55થી 68 કિગ્રા અને 68 કિગ્રાથી વધુ વજન જૂથ, રસ્સાખેંચ: 10 ખેલાડીઓની ટીમ