Ambaji Utsav 2026: ચૈત્રી નવરાત્રી નિમિત્તે 'અંબાજી ઉત્સવ'નું આયોજન, શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં બે દિવસ સુર-તાલની રમઝટ જામશે

માયાભાઈ આહીર સહિતના સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા ભક્તિ સંગીત, લોકડાયરો અને નૃત્યનની પ્રસ્તુતિ કરાશે. માઈભક્તોને આમંત્રણ અપાયું.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 21 Mar 2026 12:02 AM (IST)Updated: Sat, 21 Mar 2026 12:02 AM (IST)
banaskantha-news-two-day-ambaji-utsav-2026-announced-on-march-21-22
HIGHLIGHTS
  • બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજન કરાયું

Banaskantha, Ambaji Utsav 2026: યાત્રાધામ અંબાજી ખાતે ચૈત્રી નવરાત્રિના પાવન પ્રસંગે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર, બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે 'અંબાજી ઉત્સવ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત આજે તારીખ 21 અને 22 માર્ચ, 2026ના એમ બે દિવસ દરમિયાન સાંજે 7:00 કલાકે અંબાજી મંદિરના પવિત્ર ચાચર ચોકમાં આ દ્વિ-દિવસીય સાંસ્કૃતિક મહોત્સવ યોજાશે.

આ કાર્યક્રમમાં ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા ભક્તિ સંગીત, લોક ડાયરો અને નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવશે. જેમાં તારીખ 21 માર્ચના રોજ માયાભાઈ આહીર, ઈન્દિરાબેન શ્રીમાળી અને રમિંદર ખુરાના જેવા કલાકારો ભક્તિરસ પીરસશે. જ્યારે 22 માર્ચના રોજ દીપક જોષી અને અનિતાબેન પટેલ સહિતના કલાકારો લોક ગાયન અને રાસ-ગરબાની રમઝટ બોલાવશે.

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ માઇભક્તોને આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.