Ambaji Bhadarvi Poonam Fair: અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન મોટી સંખ્યામાં આવતા યાત્રિકોને શુદ્ધ, ગુણવત્તાયુક્ત અને સલામત ખોરાક મળી રહે તે માટે ખાદ્ય સુરક્ષા તંત્ર દ્વારા સઘન ખાદ્ય સુરક્ષા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
જે અંતર્ગત ‘ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ’ના માધ્યમથી દાંતા ખાતે વિવિધ ખાદ્ય એકમોની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સલામતી સુનિશ્ચિત કરવા સ્થળ પર જ ખાદ્ય નમૂનાઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.
38 નમૂનાઓની સ્થળ પર જ કરાઈ ચકાસણી
તા. 18 સપ્ટેમ્બર, 2026ના રોજ હાથ ધરાયેલી આ કામગીરી દરમિયાન દાંતા ખાતે કુલ 26 ખાદ્ય એકમોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વિવિધ ખાદ્ય પદાર્થોના કુલ 38 નમૂનાઓની સ્થળ પર જ ચકાસણી કરવામાં આવી હતી. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ મહામેળા દરમિયાન યાત્રિકોને ગુણવત્તાયુક્ત અને સલામત ખાદ્ય પદાર્થો મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે.
આ ઉપરાંત ખાદ્ય સુરક્ષા તંત્ર દ્વારા ખાદ્ય વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ તથા સંચાલકોને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવવા, સ્વચ્છતા રાખવા અને ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન કરવા અંગે જરૂરી માર્ગદર્શન અને જાગૃતિ આપવામાં આવી હતી.
