ભાદરવી પૂનમ મેળા પૂર્વે દાંતામાં ICU સુવિધાથી સજ્જ 'બનાસ મેડિકલ સેવા કેમ્પ' શરૂ, પદયાત્રીઓને મળશે 24 કલાક સેવા

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ બનાસ મેડિકલ સેવા કેમ્પનો શુભારંભ કરાવ્યો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 19 Sep 2026 03:21 PM (IST)Updated: Sat, 19 Sep 2026 03:21 PM (IST)
ambaji-bhadarvi-poonam-mela-2026-banas-medical-seva-camp-danta-icu-facility
બનાસ મેડિકલ સેવા કેમ્પમાં શંકર ચૌધરી

Ambaji Bhadarvi Poonam Mela 2026: યાત્રાધામ અંબાજી ખાતે યોજાઈ રહેલા ભાદરવી પૂનમ મહામેળા 2026 નિમિત્તે માં અંબાજીના દર્શનાર્થે આવતા લાખો પદયાત્રીઓની નિઃશુલ્ક સ્વાસ્થ્ય સેવા અર્થે દાંતા શીત કેન્દ્ર ખાતે બનાસ મેડિકલ સેવા કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ICU સુવિધાથી સજ્જ આ મેડિકલ કેમ્પમાં પદયાત્રીઓને 24 કલાક સેવા મળશે.

બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. (બનાસ ડેરી), પાલનપુર તથા બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આયોજિત બનાસ મેડિકલ સેવા કેમ્પનું વિધિવત ઉદઘાટન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બનાસ ડેરી અને મેડિકલ કોલેજના હોદ્દેદારો, તબીબો તથા સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આ કેમ્પમાં પદયાત્રીઓની ત્વરિત અને ઉચ્ચસ્તરીય સારવાર માટે બનાસ મેડિકલ કોલેજના નિષ્ણાત તબીબો, પેરામેડિકલ સ્ટાફ અને વિદ્યાર્થીઓની વિવિધ ટીમો 24 કલાક સેવારત રહેશે. પગપાળા ચાલીને આવતા ભક્તોમાં થાક, ડીહાઈડ્રેશન, સ્નાયુનો દુખાવો કે ઈજા જેવી તકલીફોના પ્રાથમિક ઉપચાર ઉપરાંત કોઈપણ પ્રકારની ગંભીર કે આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે કેમ્પ સ્થળે આધુનિક સાધનોથી સજ્જ ICU જેવી ઈમરજન્સી તબીબી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે.

આ પ્રસંગે શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, અંબાજીનો ભાદરવી મેળો એ ભક્તિ, શ્રદ્ધા અને સમર્પણનો પવિત્ર સંગમ છે. સેવા પરમો ધર્મના મૂળભૂત સંસ્કારો સાથે વિવિધ સેવાભાવી સંસ્થાઓ, વહીવટી તંત્ર અને નાગરિકો સાથે મળીને માઈભક્તોની સેવામાં લીન બન્યા છે. બનાસ ડેરી અને મેડિકલ કોલેજની ટીમની સેવાકીય ભાવનાને બિરદાવતા જણાવ્યું કે, દરેક યાત્રિક સુખરૂપ દર્શન કરી શકે તે માટે આરોગ્ય સુરક્ષાનું સુચારુ આયોજન કર્યું છે.

તમામ માઈભક્તો અને સ્વયંસેવકોને અંબાજી મહામેળાને સંપૂર્ણપણે ‘પ્લાસ્ટિક મુક્ત મેળો’ બનાવવા હૃદયપૂર્વક આહવાન કરતા શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, યાત્રા દરમિયાન કચરો માત્ર નિયત કચરાપેટીમાં જ નાખવો એ પણ માં અંબાની ઉત્તમ સેવા અને સાચી ભક્તિ છે. ભાદરવી પૂનમ દરમિયાન પ્રકૃતિ અને પર્યાવરણનું યોગ્ય સંવર્ધન થાય તેવી પ્રવૃત્તિ અપનાવી યાત્રાધામ અંબાજી અને સમગ્ર માર્ગને સ્વચ્છ રાખવામાં સહભાગી બનવા તેમણે ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.