ભાદરવી પૂનમે અંબાજી પદયાત્રીઓની સેવામાં મહેસાણા તંત્ર સજ્જ: 25 કેમ્પ, 14 મોબાઈલ વાન સાથે જિલ્લા આરોગ્ય વિભાગ રહેશે ખડેપગે

મહેસાણા જિલ્લા તંત્ર દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે 25 સેવાકીય કેમ્પ અને 14 મોબાઈલ વાનની વ્યવસ્થા કરવામાં આવી છે. 24 કલાક આરોગ્યકર્મીઓ તૈનાત રહેશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 19 Sep 2026 09:52 AM (IST)Updated: Sat, 19 Sep 2026 09:52 AM (IST)
ambaji-pedestrian-mehsana-health-department-25-camps-mobile-van-bhadravi-punam

Ambaji Bhadravi Poonam 2026: બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના પાવન અવસર પર લાખો ભક્તો પદયાત્રા કરીને માતાના દર્શનાર્થે જતાં હોય છે. ખાસ કરીને મહેસાણા જિલ્લામાંથી લાખો ભક્તો પગપાળા ચાલીને માતા જગદંબાના ચરણોમાં શીશ ઝૂકાવવા માટે જતાં હોય છે. અંબાજી જતાં પદયાત્રીઓને કોઈ અગવડતાનો સામનો ન કરવો પડે તે માટે મહેસાણા જિલ્લા તંત્ર દ્વારા ઘણા સેવાકીય કેમ્પોનું આયોજન કરવામાં આવતું હોય છે.

25 સેવાકીય કેમ્પોનું આયોજન

મહેસાણામાંથી ગાંધીનગર-અંબાજી રોડ, મહેસાણા-અંબાજી રોડ , વીજાપુર-વિસનગર રોડ અને અમદાવાદ-મહેસાણા રોડ પર ભાદરવી પૂનમ નિમિત્તે લાખો શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી જાય છે. તેમની સેવા હેતુથી દર વર્ષે 25 જેટલા સેવાકીય કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ જિલ્લા તંત્ર દ્વારા 25 કેમ્પોનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પોમાં મહેસાણા જિલ્લા આરોગ્ય દ્વારા પદયાત્રીઓને સ્વાસ્થ્ય અને આરોગ્યલક્ષી સેવા પૂરી પાડવામાં આવશે.

કેમ્પોમાં આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ રહેશે

અંબાજી જતાં પદયાત્રીઓને ચાલતાં ચાલતાં કોઈ ઈજા થાય કે કોઈ બિમાર પડે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં ડાઈક્લોફ્લુનેક સોડિયમ ટેબ્લેટ, આઈ-ઈયર ડ્રોપ બ્રુફેન ટેબ્લેટ, પેરાસિટામોલ ટેબ્લેટ, સ્નેક બાઈટ ઈન્જેક્શન, ઓ.આર.એસ પેકેટ્સ સહિતની તમામ આરોગ્યલક્ષી વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે, પદયાત્રા દરમિયાન કોઈપણ પદયાત્રીને આરોગ્યલક્ષી સમસ્યા ઉદ્ભવે તો તેઓ જિલ્લા આરોગ્ય તંત્રે ઉભા કરેલા કેમ્પમાં તબીબી સારવાર મેળવી શકે છે.

24 કલાક આરોગ્યકર્મીઓ સેવા માટે તૈનાત

આ સેવા કેમ્પોમાં તાવ, શરદી, ઉધરસ સહિતની તમામ દવાઓ ઉપલબ્ધ કરાશે, આ કેમ્પોમાં જિલ્લા કક્ષાના મેડિકલ ઓફિસર, પેરામેડિકલ ઓફિસર, સુપરવાઈઝર સહિતનો સ્ટાફ 24 કલાક યાત્રીઓની સેવામાં ખડેપગે રહેવાના છે. તેમજ 14 જેટલી કેમ્પ મોબાઈલ વાન ગોઠવવામાં આવશે.

જિલ્લા કક્ષાના આરોગ્ય અધિકારીઓ હાજર રહેશે

આ કેમ્પોમાં 05 જેટલા જિલ્લા કક્ષાના અધિકારીઓ, 10 ટીએચઓ, 3 જેટલા જિલ્લા કક્ષાના સુપરવાઈઝર, 66 જેટલા મેડિકલ ઓફિસર, 85 હોમિયોપેથિક, આયુષ, આર.બી.એસ.કે મેડિકલ ઓફિસરો અને 07 અર્બન હેલ્થ ઓફિસરો અને મેડિકલ સ્ટાફ તૈનાત રહેશે.