ઉત્તર ગુજરાતમાં ચોમાસું નિષ્ફળ: 44% વરસાદની ઘટથી 4.83 લાખ હેક્ટર વાવેતર સુકાવાના આરે!

ઉત્તર ગુજરાતમાં અડધી સીઝન પૂર્ણ થવા છતાં 44% વરસાદની તીવ્ર ઘટ નોંધાઈ છે. અલ નીનોની અસર વચ્ચે 4.83 લાખ હેક્ટર બિન-પિયત પાક સુકાવાની ભીતિ સેવાઈ રહી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 06 Sep 2026 08:09 AM (IST)Updated: Sun, 06 Sep 2026 08:09 AM (IST)
north-gujarat-monsoon-deficit-crops-drought-threat

North Gujarat Monsoon Deficit: ગુજરાતમાં ચોમાસાની નબળી સ્થિતિ રહેવાને લીધે ઉત્તર ગુજરાતમાં જળ સંચય અને ખેતી પર ગંભીર અસરો જોવા મળી રહી છે, રાજ્યમાં ચોમાસાની અડધી સીઝન પૂર્ણ થઈ હોવા છતાં વરસાદની તીવ્ર ઘટ નોંધાઈ છે. જેનાથી આગામી રવિ પાકની વાવણી સામે સંકટના વાદળો ઘેરાયા છે.

ઉત્તર ગુજરાતમાં વરસાદની ઘટ

ઉત્તર ગુજરાતનાા વિવિધ વિસ્તારોમાં ચોમાસાની સીઝનનો સરેરાશ 28.74 ઇંચ રહેતો હોય છે. જેની સામે અત્યારે અત્યાર સુધી માત્ર 16.17 ઇંચ એટલે કે 56.23 ટકા વરસાદ નોંધાયો છે, ઓગસ્ટ મહિનામાં સામાન્ય રીતે વરસાદની અપેક્ષા વધારે હોય છે. જે હાલના તબક્કે નિષ્ફળ નીવડી છે.

માત્ર 2.72 ઇંચ વરસાદ પડવાથી પાણીની અછત વધીને 32.85 ટકા સુધી પહોંચી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, સપ્ટેમ્બર મહિનામાં પણ ઉત્તર ગુજરાતમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડવાની 33થી 45 ટકા શક્યતા છે.

બિન પિયત પાકો સામે મોટું જોખમ

ઉત્તર ગુજરાતના કુલ 16.99 લાખ હેક્ટર જમીનમાં ખેડૂતોએ વાવેતર કર્યુ છે. જેમાંથી 12.16 લાખ હેક્ટરમાં પિયતની પૂરતી સુવિધા ઉપલબ્ધ છે. જોકે, બાકી રહેલા 4.83 લાખ હેક્ટર પાકનું વાવેતર વરસાદી પાણી પર નિર્ભર છે. વરસાદ ખેંચાવવાને લીધે આ બિન પિયત વિસ્તારોમાં પાક નિષ્ફળ જાય તેવી શક્યતાઓ રહેલી છે.

અલ નીનોની અસરથી વરસાદમાં અનિયમિતતા

જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષ પટેલ પાસેથી મળતી વિગત અનુસાર, અલ નીનોની અસરને લીધે રાજ્યમાં વરસાદમાં અનિયમિતતા જોવા મળી રહી છે. ઓછો વરસાદ અને પાણીની અછત વચ્ચે ખેડૂતોએ આચ્છાદન, છોડની ઘનતામાં ઘટાડો કરવો, આધુનિક સિંચાઈ પદ્ધતિ જેવા ઉપાયોનો ઉપયોગ કરીને પાકના નુકસાનમાં ઘટાડો કરી શકે છે.