પાલનપુર.
આગામી 20 જૂનના રોજ રથયાત્રાનો પર્વ આવી રહ્યો છે, ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવેલા માઁ અંબાજીના મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને નાયબ કલેક્ટરના જણાવ્યા મુજબ, સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજી માતા મંદિર, અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર અષાઢ સુદ- 2 ( બીજ) રથયાત્રા મંગળવાર 20 જૂનથી આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
નવા સમય પ્રમાણે સવારે 7:30 થી 8:00 વાગ્યા સુધી આરતીનો સમય રહેશે. જ્યારે 8:00 થી 11:30 સુધી માતાજીના દર્શન થઈ શકશે. જે બાદ 11:30થી 12:00 મંદરિ મંગળ રહેશે. 12:00 થી 12:30 રાજભોગ આરતી થશે અને 12:30થી 4:30 સુધી માતાજીના દર્શન કરી શકાશે, 4:30 થી 7 વાગ્યા સુધી મંદિર મંગળ રહેશે. જે બાદ સાંજે 7:00 થી 7:30 માતાજીની આરતી થશે. સાંજે 7:30 થી રાતના 9:00 વાગ્યા સુધી માતાજીના દર્શનનો સમય રહેશે.
જણાવી દઈએ કે, અંબાજી મંદિરમાં ઋતુ પ્રમાણે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થવાના કારણે મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવતો હોય છે. અગાઉ 22 એપ્રિલથી 19 જૂન સુધી માતાજીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.
