અંબાજી યાત્રાધામનું અનોખું આકર્ષણ, એક જ જન્મમાં, એક જ સ્થળે તમામ 51 શક્તિપીઠના દર્શનનો લ્હાવો

30, 31 જાન્યુઆરી અને પહેલી ફેબ્રુઆરી એમ ત્રણ દિવસ સુધી અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 28 Jan 2026 11:08 PM (IST)Updated: Wed, 28 Jan 2026 11:08 PM (IST)
51-shaktipeeth-parikrama-mahotsav-divine-experience-of-all-51-shaktipeeths-at-one-sacred-destination
HIGHLIGHTS
  • અંબાજીમાં અઢી કિલોમીટરના માર્ગમાં મૂળ શક્તિપીઠની કલાકૃતિઓનું આબેહુબ નિર્માણ

51 Shaktipeeth Parikrama Mahotsav: શકિત ભક્તિ અને આસ્થાના કેન્દ્ર સમા કરોડો માઈભક્તોનું શ્રદ્ધા શિખર એટલે યાત્રાધામ શકિતપીઠ અંબાજી. લાખો કરોડો માઇભકતોના આસ્થાના કેન્દ્ર એવા અંબાજી ખાતે દર વર્ષે 51 શકિતપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરાય છે. માઇભકતો 51 શકિતપીઠના દર્શન કરી પદયાત્રા અને પરિક્રમાના સંગમથી દિવ્યતા અને ધન્યતાનો અનુભવ મેળવે છે.

એક જ જન્મમાં, એક જ સ્થળે, તમામ 51 શકિતપીઠના દર્શન કરવાનો અવસર શકિતપીઠ ગબ્બર- અંબાજી ખાતે પ્રાપ્ત થાય એ માટે 2.5 કિલોમીટરના માર્ગમાં મૂળ શકિતપીઠની કલાકૃતિઓનું આબેહૂબ નિર્માણ કરાયું છે.

તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનથી ગબ્બર પર્વતની આસપાસ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા રૂ.62 કરોડના ખર્ચથી ભવ્ય પરિક્રમા માર્ગ અને તે ઉપર દેશ-વિદેશમાં આવેલ તમામ 51 શકિતપીઠોનાં મૂળ મંદિરો જેવાં જ મંદિરો બનાવવામાં આવ્યાં છે.

અંબાજી સર્વ શક્તિપીઠમાં જગતજનની આધશકિત અંબા માતાજીનું હ્દય બિરાજે છે. શ્રદ્ધાળુઓમાં અંબાજી શકિતપીઠનું અનોખું મહાત્મ્ય છે. અંબાજી ખાતે આવનાર શ્રદ્ધાળુઓને અન્ય શક્તિપીઠોના પણ દર્શન થઈ શકે એ માટે અંબાજી ખાતે 51 શક્તિપીઠનું નિર્માણ કરાયું છે.

naidunia_image

આધ્યાત્મિક ઉન્નતિ સાથે સંસ્કૃતિનું જતન અને રક્ષણ થાય એ માટે વર્ષ-2008માં રાજયના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગબ્બર પર્વતના પરિક્રમા માર્ગમાં 51 શકિતપીઠ પ્રોજેકટનું ભૂમિપૂજન કરાયું હતું.

વર્ષ 2014માં તા. 12,13 અને 14 ફેબ્રુઆરી દરમિયાન 51 શકિતપીઠનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે તારીખ 30 અને 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી 2026 કુલ ત્રણ દિવસ સુધી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરાશે.

આમ તો કોઇપણ વ્યક્તિને તેના જીવનમાં તમામ 51 શકિતપીઠોનાં મંદિરોનાં દર્શન કરવા મુશ્કેલ હોય છે, પરંતુ હવે અંબાજી એક જ સ્થાને 51 શકિતપીઠોના દર્શન કરવાનો લ્હાવો માઇભકતોને મળે છે. માઈભક્તો પરીવાર સાથે ભક્તિભાવપૂર્વક ગબ્બર પરિક્રમા માર્ગ ઉપર શક્તિપીઠના મંદિરોમાં મસ્તક નમાવી દર્શન કરી ધન્ય બને છે.