'આ નહીં ખુલે, તમે બહાર જાઓ..!' વૉશરૂમ વાપરવા મામલે મહેસાણાના ધારાસભ્ય અને હોટલના સ્ટાફ વચ્ચે 'તુંતું-મેંમે'

રોષે ભરાયેલા ધારાસભ્યએ હોટલ સ્ટાફને નિયમ સમજાવ્યા આખરે હોટલના માલિકે સ્ટાફના ગેરવર્તન બદલ માફી માંગી લેતા મામલો થાળે પડ્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 28 Jan 2026 10:50 PM (IST)Updated: Wed, 28 Jan 2026 10:50 PM (IST)
mehsana-mla-mukesh-patel-clashes-with-hotel-staff-over-locked-washroom
HIGHLIGHTS
  • મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલ સ્વાસ્થ્ય પરિષદમાં હાજરી આપવા આવ્યા હતા
  • વૉશરૂમના દરવાજે તાળું લટકતું જોઈ ધારાસભ્યએ પિત્તો ગુમાવ્યો

Mehsana: મહેસાણામાં આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા ધારાસભ્ય મુકેશ પટેલ અને ખાનગી હોટલના સ્ટાફ વચ્ચે વૉશરૂમ વાપરવા બાબતે રકઝક થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. જેમાં હોટલના વૉશરૂમ પર લટકતું તાળું જોઈને રોષે ભરાયેલા ધારાસભ્યને સ્ટાફ દ્વારા બહાર જવાનું કહી દેતા વાત વણસી હતી.

'બુકિંગ હોલનું વૉશરૂમ બહાર છે, તમે જાઓ' કહેતા ધારાસભ્યનો પિત્તો ગયો
હકીકતમાં મહેસાણાના ધારાસભ્ય એક હોટલમાં આયોજિત સ્વાસ્થ્ય પરિષદમાં હાજરી આપવા પહોંચ્યા હતા. જ્યાં તેમને વૉશરૂમ જવાની જરૂરિયા ઉભી થઈ હતી. તેઓ ગયા તો ત્યાં વૉશરૂમના દરવાજા પર તાળું મારેલું હતુ.

આથી ધારાસભ્યએ હોટલના સ્ટાફને તાળું ખોલવા માટે કહ્યું હતુ. જો કે કર્મચારીએ ધારાસભ્યને કહ્યું કે, બુકિંગ હોલનું વૉશરૂમ બહાર છે. આ દરવાજો નહીં ખુલે, તમે બહાર જાઓ. આ સાંભળીને ધારાસભ્યએ પિત્તો ગુમાવ્યો હતો. રોષે ભરાયેલા ધારાસભ્ય અને હોટલના સ્ટાફ વચ્ચે તુંતું-મેંમે થવા લાગી હતી.

ધારાસભ્યએ હોટલના માલિકને કાયદાનું ભાન કરાવ્યું
જે બાદ રોષે ભરાયેલા ધારાસભ્યએ હોટલના માલિક અને સ્ટાફને નિયમોથી વાકેફ કરતા જણાવ્યું કે, કોઈપણ હોટલ કે રેસ્ટોરન્ટ કોઈ પણ નાગરિકને વૉશરૂમ વાપરવા કે પીાનું પાણી આપવાની ના પાડી શકે નહી. આખરે હોટલના માલિક દ્વારા પોતાના સ્ટાફની ગેરવર્તનની ભૂલ સ્વીકારીને માફી માંગતા મામલો થાળે પડ્યો હતો.