Paresh Goswami Weather Prediction: ઉત્તર ભારતના પર્વતિય પ્રદેશોમાંથી આવતા એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જાન્યુઆરી મહિનામાં ગુજરાતના તાપમાનમાં પણ મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે.
કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ વરસ્યા બાદ છેલ્લા થોડાક દિવસથી સુસવાટા મારતા બર્ફિલા પવનના કારણે કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં માવઠા, ઝાકળ અને ઠંડીના રાઉન્ડ વિશે મોટી આગાહી કરી છે.
આ પણ વાંચો
ગુજરાતમાં માવઠાની હાલ કોઈ શક્યતા નથી
પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, થોડા દિવસ અગાઉ ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા ઝાપટા પડી ચૂક્યા છે. આથી હાલ ગુજરાતમાં માવઠાની કોઈ શક્યતા નથી. જો કે રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ ચોક્કસ જોવા મળી શકે છે, પરંતુ 5 ફેબ્રુઆરી સુધી માવઠું નથી પડવાનું.
30 જાન્યુઆરી પછી પવનની ગતિ ઘટશે
હાલ ગુજરાતમાં 17 થી 20 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. કોઈ ભાગમાં ઝટકાના પવન હોય, ત્યારે સ્પીડ વધીને 25 થી 30 કિમી પ્રતિકલાક સુધી પહોંચી રહી છે. આમ છેલ્લા એક અઠવાડિયાથી પવનની ગતિ વધારો જોવા મળી રહી છે, જે આવતીકાલે પણ યથાવત રહેશે. 30 જાન્યુઆરી પછી પવનની ગતિમાં ધીમે-ધીમે ઘટાડો થશે. આ દરમિયાન 11 થી 16 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
ઝાકળનો રાઉન્ડ પુરો થઈ ગયો
ગુજરાતમાં બે દિવસ પહેલા ઝાકળનો રાઉન્ડ પૂરો થઈ ગયો છે.આથી સિમિત વિસ્તારો પુરતું વહેલી સવારે ધુમ્મસ જોવા મળે છે. હજુ આવનારા બે દિવસ સુધી ઝાકળની કોઈ શક્યતા નથી.
આગામી 31 જાન્યુઆરી 2026થી ઝાકળનો રાઉન્ડ આવશે, જે 3 થી 4 દિવસનો રહી શકે છે. ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ઝાકળનું પ્રમાણ વધારે જોવા મળી શકે છે.
શિયાળાની વિદાયમાં વિલંબ થશે
જાન્યુઆરી મહિનામાં સારી એવી ઠંડીનો રાઉન્ડ રહ્યો છે. આગામી 30 જાન્યુઆરી સુધી ઠંડીનો રાઉન્ડ યથાવત રહેશે. જે બાદ 31 જાન્યુઆરીથી તાપમાન 2 ડિગ્રી સુધી ઊંચુ આવવાથી ઠંડીમાં આંશિક રાહત મળશે.
વધુમાં પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, મોટાભાગે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં શિયાળાની વિદાય થઈ જતી હોય છે. જો કે આ વર્ષે શિયાળો 10 થી 12 દિવસ વિલંબથી વિદાય લઈ શકે છે. હજુ 10-12 ફેબ્રુઆરી સુધી સવાર અને સાંજની ઠંડી યથાવત રહેશે. આ સાથે જ રાતના સમયે લઘુતમ તાપમાન ઘણું નીચું રહેશે.
