Rajkot: ઢેબર રોડ સ્થિત DCB બેંકનું ATM તોડવાનો પ્રયાસ, સેન્ટ્રલ ઑફિસની સતર્કતાથી લાખોની રોકડ બચી ગઈ

ATM મશીનમાં જ્યાંથી પૈસા બહાર આવે ત્યાં ટેપ મારીને ચોરીની વારદાતને અંજામ આપતા હતા. CCTV ફૂટેજમાં 3 ઈસમો ATMનું શટર ઊંચું કરીને અંદર પ્રવેશતા કેદ થયા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 28 Jan 2026 09:07 PM (IST)Updated: Wed, 28 Jan 2026 09:08 PM (IST)
rajkot-news-dcb-bank-atm-tampering-attempt-on-dhebar-road
HIGHLIGHTS
  • ભક્તિનગર પોલીસે ATM તોડવાનો પ્રયાસ કરનાર એક ઈસમને ગણતરીના કલાકોમાં ઝડપ્યો

Rajkot: ઢેબર રોડ પર કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ પાસે આવેલા DCB બેંકના ATM મશીનમાંથી રોકડ રુપિયા કાઢી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.જે અંગે ભકિતનગર પોલીસે ત્રણ શખસો સામે ગુનો નોંધી એક શખસની ધરપકડ કરી અન્ય બે શખસોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી ATMમાં રહેલી લાખોની રોકડ બચી ગઈ હતી.

આ ઘટના અંગે રેલનગરમાં સાધુ વાસવાણી કુંજ રોડ પર રહેતા નિકુંજભાઈ દર્શકભાઈ જોષી (ઉ.વ.36) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અભિનવ શ્રીરામનરેશ પાસવાન અને બે અજાણ્યા શખસોના નામ આપી જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ત્રણ મહીનાથી ઢેબર રોડ ઉપર કાન્તા વિકાસ ગૃહ પાસે આવેલ DCB બેંકમાં બ્રાન્ચ ઓપરેશન મેનેજર તરીકે નોકરી કરે છે.

ગઇકાલે સાંજના સાડા સાતેક વાગ્યે તેઓ ઘરે હતાં, ત્યારે બેંકના બ્રાન્ચ મેનેજર હર્ષીલ તન્નાનો ફોન આવ્યો હતો. જેમાં હર્ષિલે જણાવ્યું હતું કે, આપણી બેંકની બ્રાન્ચના ATMમા ચોરીની ઘટના બની છે. આથી તેઓ બેંકની ઢેબર રોડ ઉપર આવેલ બ્રાન્ચ નજીક આવેલ એ.ટી.એમ. ખાતે ગયેલ.

જ્યાં હાજર બેંકના બ્રાન્ચ મેનેજરે જણાવેલ કે, સેન્ટ્રલ ઓફિસથી ફોન હતો અને આપણી બ્રાન્ચના એ.ટી.એમ.માં અમુક શખસો અંદર પ્રવેશ કરી તેમા છેડછાડ કરતા હોવાનુ ફુટેજમા જોવામા આવે છે.

ફરીયાદી અને બ્રાન્ચ મેનેજરે ATMમાં ચેક કરતા મશીનનુ શટર ખુલેલું હાલતમાં હતુ. શટરની અંદરની બાજુમાં જ્યાં ATM મશીનમાંથી પૈસા બહાર આવે તે જગ્યાએ ટેપ મારેલ જોવામા આવેલ હતી. અજાણ્યા શખસે ATMમાં પ્રવેશ કરી મશીનનુ શટર ખોલી તેમા ટેપ મારી પૈસા ચોરી કરવાની કોશીશ કરેલ હોય તેવુ લાગતા સેન્ટ્રીલ ઓફિસથી સીસીટીવી કેમેરાના ફુટેજ મંગાવ્યા હતા.

જે ફુટેજમા સાંજના સવા સાતેક વાગ્યાની આસપાસ એક શખસ ATM મશીનની બહાર ઉભેલ અને બે શખ્સો ATMમા પ્રવેશ કરી મશીનનુ શટર ખોલી તેમા ટેમ્પરીંગ કરી ATMમા પડેલ મોટી રકમમાથી રુપિયાની ચોરી કરવાની કોશીશ કરતા હોય તેવુ જોવામા આવ્યું હતુ.

જે બાદ પોલીસને જાણ કરતા દોડી આવેલ સ્ટાફે સીસીટીવી ફુટેજ જોઇ આજુબાજુમા તપાસ કરતા ATM અંદર જોવામા આવતા બે શખ્સો પૈકી એક અભિનવ શ્રી રામનરેશ પાસવાન નામનો શખસ મળી આવ્યો હતો.જે અંગેની ફરીયાદ ફરીયાદ પરથી ભક્તિનગર પોલીસે ગુનો નોંધી પીએસઆઈ જે.જે.ગોહિલ અને ટીમે અન્ય બે અજાણ્યા શખસોની શોધખોળ શરૂૂ કરી છે.