Ambaji Shaktipeeth: અંબાજી ધામ ખાતે રાજુલાના માઈભક્તે માતાજીના ચરણોમાં અર્પણ કરી ચાંદીની પાદુકા

રાજુલાના એક ભક્તે અંબાજી શક્તિપીઠમાં માતાજીને 360 ગ્રામ ચાંદીની પાદુકા અર્પણ કરી છે. આ પહેલા સાત મહિના પૂર્વે 43.51 લાખનો રત્નજડિત સુવર્ણ મુગટ પણ અર્પણ કરાયો હતો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 22 Aug 2026 05:15 PM (IST)Updated: Sat, 22 Aug 2026 05:15 PM (IST)
ambaji-shaktipeeth-devotee-gifts-360-grams-silver-paduka-to-goddess

Ambaji Shaktipeeth: ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી કરોડો માઈભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. 51 શક્તિપીઠ પૈકી હ્રદયસ્થ શક્તિપીઠ તરીકે પ્રખ્યાત છે, જ્યાં અવારનવાર ભક્તો દ્વારા કિંમતી ભેટ અર્પણ કરવામાં આવતી રહે છે. એવામાં રાજુલાના શ્રદ્ધાળુ દ્વારા માતાજીને ચાંદીની પાદુકા અર્પણ કરવામાં આવી છે.

રાજુલાના માઈભક્ત દ્વારા માતાજીના ચરણોમાં અર્પણ કરવામાં આવેલી પાદુકાને મંદિર ટ્રસ્ટ દ્વારા સ્વીકારવામાં આવી છે. આ ચાંદીની પાદુકાનું વજન 360 ગ્રામ હોવાનું સામે આવ્યું છે. જેની હાલના સમયમાં અંદાજિત બજાર કિંમત 82,800 રૂપિયા થવા જાય છે.

7 મહિના પૂર્વે માતાજીને રૂ.43.51 લાખનો રત્નજડિત મુગુટ અર્પણ કરાયો હતો

ગત જાન્યુઆરી મહિનામાં અમદાવાદના જય ભોલે ગ્રુપના દિપેશ પટેલ દ્વારા મંદિર ટ્રસ્ટને સોનાનો મુગુટ જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં ભેટ ધરવામાં આવ્યો હતો. રૂ.43.51 લાખની કિંમતનો સુવર્ણ અને રત્નજડિત આ મુગુટ બનાવવામાં કારીગરોને 3 મહિના જેટલો સમય લાગ્યો હતો. પ્રાચીન સમયમાં ઉપયોગમાં લેવાતી મીના કારીગરી અને રત્નોનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ આ મુગુટ ભેટમાં પ્રાપ્ત થતાં અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા માઈભક્તનું સન્માન કરવામાં આવ્યું હતુ.