Mango Price in Navsari: વાંસદા માર્કેટ યાર્ડમાં કેરીની હરાજીનો પ્રારંભ, વેપારીઓ ઉમટી પડ્યા; જાણો વિવિધ કેરીના ભાવ

20 કિલો કેસર કેરીના રૂપિયા 2351 સુધી ભાવ બોલાયા હતા.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 02 May 2026 10:57 AM (IST)Updated: Sat, 02 May 2026 10:57 AM (IST)
vansda-apmc-market-yard-mango-auction-navsari-price-update
HIGHLIGHTS
  • વાંસદા APMC માં કેરીની હરાજી શરૂ
  • 20 કિલો કેસર કેરીના 2351 સુધી ભાવ

Vansda APMC Mango Prices: વાંસદા માર્કેટ યાર્ડમાં કેરીની હરાજી શરૂ થઈ છે. આ સાથે આ પ્રસંગે વાંસદા APMC ખાતે ખેડૂતો અને વેપારીઓ માટે 'કેરી માર્કેટ' શરૂ કરવામાં આવ્યું છે. કેરીની હરાજી દરમિયાન 20 કિલો કેસર કેરીના રૂપિયા 2351 સુધી ભાવ બોલાયા હતા. આ તકે અમદાવાદ, સુરત અને મહારાષ્ટ્ર સહિતના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વાંસદા APMC ખાતે કેરી માર્કેટનું ઉદ્ઘાટન

વાંસદા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં 1 મે, શુક્રવારના રોજ ગુજરાત સ્થાપના દિને એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાંસદા માર્કેટ યાર્ડના પ્રાંગણમાં ખેડૂતો અને વેપારીઓની સુવિધા માટે નવનિર્મિત 'કેરી માર્કેટ' નું વિધિવત ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ સુવિધા થકી સ્થાનિક ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ અને વ્યવસ્થિત બજાર મળી રહેશે.

હરાજીમાં બોલાયેલા વિવિધ કેરીના ભાવ

વાંસદા APMC કેરી માર્કેટમાં વેપારીઓએ હાજર રહીને વિવિધ કેરીઓની બોલી લગાવી હતી. જેમાં 20 કિલો કેસર કેરીના 2100 થી 2351 રૂપિયા સુધી ભાવ બોલાયા હતા. આ ઉપરાંત અન્ય કેરીઓના પ્રતિ 20 કિલોના ભાવ નીચે મુજબ નોંધાયા હતા:

  • હાફૂસ કેરી: રૂ. 2151 થી 2200
  • દશેરી કેરી: રૂ. 1500 થી 1700
  • રાજાપુરી કેરી: રૂ. 700 થી 900
  • તોતાપુરી કેરી: રૂ. 551

સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરાયું

આ કાર્યક્રમની શરૂઆતમાં ચેરમેન ગણપતસિંહ ચૌહાણ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું ગરિમાપૂર્ણ રીતે અનાવરણ કરવામાં આવ્યું હતું. આ તકે સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પીને તેમના ખેડૂત હિતલક્ષી કાર્યોને યાદ કર્યા હતા. આ પ્રસંગે સંસ્થાના વાઈસ ચેરમેન મણીલાલ પટેલ, સેક્રેટરી હિનેશ ભાવસાર, ધર્મેન્દ્રસિંહ સોલંકી સહિત તમામ ડિરેક્ટરો અને કેરીના વેપારીઓ પણ હાજર રહ્યા હતા.

સ્વાદિષ્ટ કેરી ખરીદવા વેપારીઓનો ધસારો

આ વિસ્તારની કેરી પાણી વગરની અને સ્વાદમાં અત્યંત મીઠાશવાળી હોવાને કારણે તેની ભારે માંગ રહે છે. આ જ કારણસર નવી કેરી માર્કેટની શરૂઆત થતાં જ અમદાવાદ, વડોદરા, સુરત સહિત આજુબાજુના શહેરો અને મહારાષ્ટ્ર રાજ્યમાંથી વેપારીઓ તથા ઘર વપરાશકારો કેરીની ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. વાંસદા APMC ખાતે કેરીની હરાજી શરૂ થવાથી ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.