Pensioners Jeevan Pramaan: રાજ્ય અથવા કેન્દ્ર સરકારનું પેન્શન મેળવતા તમામ પેન્શનરોને દર વર્ષે હયાતીની ખરાઈ કરવી ફરજીયાત હોય છે. ત્યારે IRLA સ્કીમ હેઠળ બેંક મારફતે વર્ષ-2026 માટે પેન્શનરોની વાર્ષિક હયાતીની ખરાઈ કરવા અંગે અગત્યની સૂચના જાહેર કરવામાં આવી છે. વધુમાં, હયાતીની ખરાઈ કરવા માટે ગાઈડલાઈન પણ જાહેર કરી છે.
31 જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ ફરજિયાત
નવસારી જિલ્લા તિજોરી કચેરીના જણાવ્યા અનુસાર, તમામ પેન્શનરોએ આગામી 1 મે, 2026 થી 30 જુલાઈ, 2026 સુધીમાં હયાતીની ખરાઈ ફરજિયાત કરાવી લેવાની રહેશે. જો કોઈ પેન્શનર 31 જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ નહીં કરાવે, તો તેમનું ઓગસ્ટ-2026 નું પેન્શન બંધ કરી દેવામાં આવશે.
હયાતી સર્ટિફિકેટ કેવી રીતે મેળવવું?
પેન્શનરો પોતાની અનુકૂળતા મુજબ નીચેનામાંથી કોઈપણ માધ્યમથી હયાતી નોંધાવી શકશે:
- રૂબરૂ: તિજોરી કચેરી સાથે સંલગ્ન પોતાની બેંક શાખામાં રૂબરૂ જઈને.
- ઓનલાઇન: www.jeevanpramaan.gov.in વેબસાઈટ પર ઓનલાઈન માધ્યમથી
- ઘરે બેઠા: જે પેન્શનરો ઘરે બેઠા આ પ્રક્રિયા કરવા માંગતા હોય તેઓ નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી શકે છે, જ્યાં પોસ્ટમેન દ્વારા ‘જીવન પ્રમાણ એપ્લિકેશન' ના માધ્યમથી વિનામૂલ્યે હયાતી સર્ટિફિકેટ જનરેટ કરી આપવામાં આવશે.
વિદેશમાં રહેતા પેન્શનરો માટે નિયમો
કુટુંબ પેન્શનરો: આ પ્રક્રિયા અંતર્ગત કુટુંબ પેન્શન મેળવતા લોકોએ પોતે 'પુનઃ લગ્ન નથી કર્યા' તે અંગેનું નિયત નમૂનામાં સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે.
દસ્તાવેજો: જે પેન્શનરોએ અગાઉ આધાર કાર્ડ કે પાન કાર્ડની વિગતો આપી નથી, તેમણે હયાતી ફોર્મ સાથે તેની નકલ અચૂક જોડવાની રહેશે.
વિદેશમાં રહેતા પેન્શનરો (NRI): વિદેશમાં રહેતા પેન્શનરોએ નોટરી દ્વારા ફોટા સાથે પ્રમાણિત કરાવેલી હયાતીની અસલ નકલ, પાસપોર્ટની નકલ અને NRO એકાઉન્ટની બેંક પાસબુકની નકલ મોકલવી ફરજિયાત છે.
સહી-બેંક ખાતા અંગેની અગત્યની સૂચના
તમામ પેન્શનરોએ ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે તેમણે PPO માં નોંધાયેલ નમૂના મુજબ જ સહી કરવાની રહેશે. આ ઉપરાંત, જો કોઈ પેન્શનરની બેંક શાખા બદલાઈ હોય તો તે અંગેની જાણ નવસારી જિલ્લા તિજોરી કચેરીને કરવાની રહેશે, જેથી કોઈ પણ પેન્શનર સમયસર લાભ મેળવવાથી વંચિત ન રહી જાય.
