નવસારી NH48 પર બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત, 10થી વધુ શ્રમિકો ઘાયલ

અકસ્માતની ઘટના બાદ ટેન્કર ચાલક ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માતને પગલે ત્યાં ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.  

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Sat 03 Jan 2026 02:02 PM (IST)Updated: Sat 03 Jan 2026 02:30 PM (IST)
surat-accident-between-bus-and-container-on-navsari-nh48-10-workers-injured-667270
HIGHLIGHTS
  • નવસારી નેશનલ હાઇવે 48 પર સર્જાયો અકસ્માત
  • બસને ઓવરટેક કરતા કન્ટેનર બસ સાથે અથડાયું
  • આ બનાવમાં 10થી વધુ મજૂરોને ઈજા પહોંચી હતી

Navsari NH48 Accident: નવસારી નેશનલ હાઇવે નંબર 48 પર બુલેટ ટ્રેન પ્રોજેકટના મજૂરોને લઇ જતી બસ અને એક કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બસમાં સવાર 10 થી વધુ શ્રમિકોને ઇજા પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. અકસ્માતને કારણે હાઇવે પર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.

મજૂરો ભરેલી બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત

મળતી માહિતી મુજબ નવસારી નેશનલ હાઇવે નંબર 48 પર અકસ્માતની ઘટના બની હતી. બુલેટ ટ્રેનની કામગીરીના મજૂરોને લઇ જતી એક બસ હાઇવે પરથી પસાર થઈ રહી હતી. ત્યારે એક કન્ટેનર ચાલકે ઓવરટેક કર્યું હતું. જેમાં કન્ટેનરનો પાછળનો ભાગ બસ સાથે ધડાકાભેર અથડાયો અને અકસ્માત થયો હતો. 

10 થી વધુ શ્રમિકોને ઈજા થઈ

આ અકસ્માતમાં 10 થી વધુ શ્રમિકોને ઈજા થઈ હોવાની પ્રાથમિક માહિતી છે. અકસ્માતને પગલે સ્થાનિક લોકો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા. ઘાયલ શ્રમિકોને 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે નવસારીની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

નવસારી પોલીસ ઘટનાસ્થળે પહોંચી

અકસ્માતની ઘટના બાદ ટેન્કર ચાલક ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માતને પગલે ત્યાં ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ નવસારી ગ્રામ્ય પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે ટ્રાફિક હળવો કરીને આ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.