નવસારીમાં PM મોદીના હસ્તે દેશના પ્રથમ AI આધારિત ભાજપ કાર્યાલયનું લોકાર્પણ, કહ્યું- 'સત્તા અને સંગઠનને સેવાનું માધ્યમ બનાવીએ'

‘નમો કમલમ’ કાર્યાલય માત્ર એક ઇમારત નહીં, પરંતુ સામાન્ય માનવીની સમસ્યાઓના નિરાકરણ અને સમાધાનનું તીર્થસ્થાન. * સત્તા, પદ, સંગઠન અને વ્યવસ્થા એ માત્ર જનકલ્યાણ અને સેવાના સાધન બનવા જોઈએ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 08 Sep 2026 06:54 PM (IST)Updated: Tue, 08 Sep 2026 06:55 PM (IST)
pm-narendra-modi-inaugurates-indias-1st-aibased-namo-kamalam-bjp-office-in-navsari
HIGHLIGHTS
  • કાર્યકર્તાઓની તપસ્યા અને જનસેવાના સંકલ્પોથી ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે


PM Modi Navsari Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નવસારી હાઇવે પર ગ્રીડ નજીક દેશના પ્રથમ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત અત્યાધુનિક ‘નમો કમલમ’ કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાથે વડાપ્રધાનએ ‘નમો કમલમ’ પરિસરના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી. જેમાં મુખ્ય કાર્યાલય, મીડિયા વિભાગ, કોલ સેન્ટર, લાઈબ્રેરી, સાંસદ અને ધારાસભ્યની કેબિન તેમજ પંડિત દિનદયાળ મીટિંગ હોલ, શ્યામાપ્રસાદ મુખર્જી હોલ અને અટલ સભાખંડનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે વિશાળ જાહેરસભામાં વડાપ્રધાને ઉપસ્થિત જનમેદનીને પ્રેરક સંબોધન કરતા જણાવ્યું કે, ભાજપના કાર્યકર્તાઓએ દાયકાઓથી પ્રેમ અને સમર્પણ સાથે જનસેવાનો માર્ગ અપનાવ્યો છે, જેના પરિણામે આજે નવસારી જિલ્લો વિકાસની દોડમાં અગ્રેસર રહ્યો છે. નવું ‘નમો કમલમ’ કાર્યાલય માત્ર એક ઇમારત નહીં, પરંતુ સામાન્ય માનવીની સમસ્યાઓના સમાધાનનું અને સેવાનું જીવંત તીર્થસ્થાન બનશે.

'સત્તાનો મોહ નહીં, પણ સેવાનો ભેખ' એ સરકારનો મંત્ર છે એમ જણાવી વડાપ્રધાનએ ઉમેર્યું કે, ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓમાં સેવા અને સંસ્કારની ભાવના વિકસાવે છે. સમાજ સર્વોપરી છે અને જનતા જનાર્દનને ઈશ્વરના સ્વરૂપ તરીકે માનીને સેવાના સંસ્કારોને જીવનનો સહજ સ્વભાવ બનાવવાનો તેમણે અનુરોધ કર્યો હતો.

નવસારી જિલ્લામાં હાથ ધરાયેલા સ્વચ્છતા અભિયાનનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાને જણાવ્યું કે, સરકારી વ્યવસ્થાથી નાના-મોટા સ્વચ્છતાના કામો થાય તે સ્વાભાવિક છે, પરંતુ ઈશ્વરના રૂપ સમાન જનસામાન્યની શક્તિથી આવતું પરિવર્તન સ્થાયી અને દીર્ઘજીવી હોય છે અને નાગરિકોમાં નવો વિશ્વાસ પેદા કરે છે. તેમણે સ્વચ્છતાને માત્ર અભિયાન પૂરતી મર્યાદિત ન રાખીને તેને જીવનનો સહજ સંસ્કાર બનાવવા અને જનસેવાના આ યજ્ઞમાં ઉત્સાહથી સહભાગી બનવા પ્રેરણા આપી હતી.

વડાપ્રધાને આ તકે ભૂતકાળના સંસ્મરણો વાગોળતા જણાવ્યું કે, નવસારીની સંસ્કારભૂમિ પર આવવાનો અને જૂના જોગીઓ તથા સમર્પિત કાર્યકર્તાઓને મળવાનો આનંદ હંમેશાં વિશેષ હોય છે. શાળા પ્રવેશોત્સવમાં શાળા પ્રવેશ મેળવનાર બાળકો મોટા થઈને દેશની સેવા કરી રહ્યા છે, સારા પદો પર જોડાયા છે અને જ્યારે તે સંઘર્ષના દિવસો યાદ કરીને પોતાની સફળતા જણાવે છે, ત્યારે મને જીવનનો સાચો સંતોષ મળે છે.

તેમણે ઉમેર્યું કે, સત્તા, પદ, સંગઠન અને વ્યવસ્થા એ માત્ર જનકલ્યાણ અને સેવાના સાધન બનવા જોઈએ. નવસારી જિલ્લા દ્વારા કુપોષણ મુક્ત અભિયાન અને ટીબી મુક્ત ગુજરાતના સંકલ્પને બિરદાવતા વડાપ્રધાનએ વધુમાં કહ્યું કે, માતા-બહેનોના આશીર્વાદ અને સ્વસ્થ પેઢીનું નિર્માણ એ જ સાચું રાષ્ટ્રકાર્ય છે.

તેમણે પીએમ સ્વનિધિ યોજનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, લારી-ગલ્લા ચલાવતા શ્રમિકોને વ્યાજખોરોના ચુંગાલમાંથી મુક્ત કરીને વિના ગેરેન્ટર લોનસહાય આપવા સાથે ડિજિટલ પેમેન્ટ અને બેંકિંગ વ્યવસ્થા સાથે જોડવાથી આજે તેમનું જીવન ઉન્નત બન્યું છે, ત્યારે નવસારી જિલ્લાના કાર્યકર્તાઓ આવા જરૂરીયાતમંદ નાગરિકોને વધુમાં વધુ પીએમસ્વનિધિનો યોજનાનો લાભ અપાવે તેવા સક્રિય પ્રયાસો કરવાનો અનુરોધ કર્યો હતો. સ્વચ્છતાને સંસ્કાર બનાવવાનો અનુરોધ કરતા વડાપ્રધાનએ આગામી ગણેશોત્સવ, નવરાત્રિ અને દિવાળીના તહેવારોમાં સ્વચ્છતા જાળવવા અને નવસારીને દેશભરમાં રોલ મોડેલ બનાવવા આહ્વાન કર્યું હતું.

નવસારીની પાવન ધરા પર વડાપ્રધાનને આવકારતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, અમારી સરકાર વિકાસની રાજનીતિ કરે છે, પોલિટિકલ પરફોર્મન્સ એ જ આ સરકારના કામનો મહત્વનો આધાર છે. જેના કારણે સામાન્ય કાર્યકર પણ લોકહિત માટે પોતાની જાત ખપાવી દે છે. કાર્યકરો છેવાડાના નાગરિકો સુધી સંપર્કમાં રહે તેવી પ્રણાલી નરેન્દ્ર મોદીએ ઉભી કરી છે. તેમણે આપેલો 'નાગરિક દેવો ભવ'નો મંત્ર કાર્યકરોનો જીવનમંત્ર બન્યો છે.

નરેન્દ્ર મોદીના નેતૃત્વનો લાભ છેલ્લા 25 વર્ષથી ગુજરાતને મળી રહ્યો હોવાનું મુખ્યમંત્રીએ જણાવી વધુમાં ઉમેર્યું કે, કેન્દ્ર સરકાર પર લોકોનો ભરોસો ઉત્તરોતર વધી રહ્યો છે અને પોલિટિકલ સ્ટેબિલીટીના કારણે દેશનો વિકાસ તેજ ગતિએ આગળ વધતા દેશના અર્થતંત્રમાં GDP દર 7.8 ટકા વધ્યો છે, જે દરેક ભારતીય માટે ગૌરવની ક્ષણ છે.

આજનો કાર્યક્રમ જનસેવાનો અવસર બન્યો હોવાનું જણાવી મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, વિધવા બહેનો, દીકરીઓ, ખેડૂતો, દિવ્યાંગો અને ફેરિયા સહિત દેશના જનજન સુધી 'સેવા હી સંકલ્પ'ના મંત્રને સાકાર કરનાર નરેન્દ્ર મોદીના સેવા કાર્યોની સરવાણીને 25 વર્ષ પૂર્ણ થનાર છે ત્યારે આપણે સૌ સેવા કાર્યમાં જોડાઇ દેશની ઉન્નતિમાં સહભાગી બનવા આહવાન કર્યું હતું.

સ્વાગત ઉદ્દબોધન કરતા નવસારી સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું કે, વિકસિત ભારત અને સેવા હી સંગઠનના સંકલ્પ સાથે નવસારીમાં સંગઠનાત્મક કાર્ય અને પ્રજાલક્ષી સેવાકીય પ્રવૃત્તિઓની નવી ઊંચાઈઓ સર કરી છે. નવસારી જિલ્લાના નાનકડા કાર્યાલયના લોકાર્પણ પ્રસંગે દેશના વડાપ્રધાનશ્રી સ્વયં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે તે સમગ્ર જિલ્લા ભાજપ પરિવાર માટે અતિ ગૌરવશાળી ક્ષણ છે.

સી.આર. પાટીલે કહ્યું કે, વડાપ્રધાનના આગમન પૂર્વે નવસારી જિલ્લામાં 'સ્વચ્છતાથી સ્વાગત' પહેલ કરી જનભાગીદારીથી 50 જેટલા JCB, 100 જેટલી ટ્રકો અને ગામોના ટ્રેક્ટરોથી સળંગ 6 દિવસ સુધી ઝુંબેશ ચલાવીને નવસારી મહાનગરપાલિકા તેમજ ગણદેવી અને વિજલપોર નગરપાલિકા સહિત 400 જેટલા ગામોમાં માઇક્રો સફાઈ કરવામાં આવી હતી અને વર્ષોથી જામેલા કચરાનો યોગ્ય નિકાલ કરાયો છે.

તેમણે વધુમાં કહ્યું કે, જિલ્લાના 3600 જેટલા કુપોષિત બાળકોને પોષક આહાર પૂરો પાડવા માટે દત્તક યોજના શરૂ કરાતા 460 બાળકો કુપોષણમાંથી મુક્ત થયા છે અને 100 ટકા કુપોષણમુક્ત નવસારી ન થાય ત્યાં સુધી આ અભિયાન સતત ચાલુ રહેશે. જિલ્લાને સંપૂર્ણ ટીબી મુક્ત કરવાના સંકલ્પ સાથે 781 ટીબી દર્દીઓને પોષક આહાર કિટ પૂરી પાડવામાં આવી રહી છે, તેમજ 13,000 જેટલી વંચિત દીકરીઓના બેંક ખાતાં ખોલાવીને સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત પ્રથમ રૂ. 250ની રકમ જમા કરાવવામાં આવી છે.

સામાજિક સુરક્ષાના ભાગરૂપે પેન્શનથી વંચિત વિધવા બહેનોના ફોર્મ ભરાવી મંજૂર કરાવાયા છે તથા સાડા પાંચ હજારથી વધુ વડીલો અને ૧૫૦૦ જેટલા દિવ્યાંગોને વિવિધ સરકારી યોજનાઓનો સીધો લાભ પહોંચાડવામાં આવ્યો છે. લારીધારકોના સશક્તિકરણ માટે નવસારીના 700 જેટલા હાથલારી ધારકોને જનભાગીદારી અને પીએમ સ્વાનિધિ યોજના હેઠળ રૂ.30,000ની કિંમતની એકસરખી સ્ટેનલેસ સ્ટીલ બોડીની લારીઓ અર્પણ કરવાનું આયોજન કરાયું છે, જેમાંથી ૭૦થી વધુ લારીઓનું વિતરણ કરી દેવાયું છે એમ સી.આર.પાટીલે કહ્યું હતું.

ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માત્ર સત્તા પ્રાપ્ત કરવા પૂરતા સીમિત ન રહેતા સત્તાના માધ્યમથી સેવાકીય પ્રવૃત્તિઓ કરીને જનસેવા કરી રહ્યા છે, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ નવસારી જિલ્લો સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને સામાજિક કલ્યાણના ક્ષેત્રે સમગ્ર દેશમાં ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહ્યો હોવાનું સી.આર. પાટીલે ગર્વ સાથે કહ્યું હતું.

આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, નવસારી જિલ્લામાં વડાપ્રધાનના આગમન-સ્વાગતને 'સ્વચ્છતા એ જ સ્વાગત' ના જનસેવા સંકલ્પ સાથે આ ઉત્સવમાં સૌ નગરજનો જોડાયા છે. 'રાષ્ટ્ર પ્રથમ' ના સિદ્ધાંતને સર્વોપરી ગણીને વડાપ્રધાનના સબળ નેતૃત્વ હેઠળ દુનિયાની 'ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ મેજર ઇકોનોમી' બન્યું છે. 'મેક ઇન ઇન્ડિયા'ના મંત્રથી ભારત આજે વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને ગ્લોબલ હબ બની ચૂક્યું છે.

આયુષ્માન ભારત યોજના, પીએમ આવાસ યોજના અને જનધન યોજના દ્વારા 50 કરોડ લોકોને બેંકિંગ સુવિધા સાથે જોડવાનું ઐતિહાસિક કાર્ય થયું છે. ઉજ્જવલા યોજના થકી 11 કરોડ માતા-બહેનોનું જીવન સુગમ બન્યું છે, જ્યારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ 81 કરોડથી વધુ લોકોને અનાજ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. તે જ રીતે, પીએમ કિસાન સન્માન નિધિ દ્વારા દેશના ખેડૂતોને ૪ લાખ કરોડથી વધુની આર્થિક સહાય પહોંચાડવામાં આવી છે અને ૨૫ કરોડથી વધુ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવવાનું ક્રાંતિકારી કાર્ય થયું છે.

જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે, 'નમો કમલમ' એ કાર્યકર્તાઓના પરિશ્રમ, ત્યાગ અને સમર્પણનું ધામ બનશે. ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીનો રાષ્ટ્રવાદ, પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનો એકાત્મ માનવવાદ અને અંત્યોદય, અટલ બિહારી વાજપેયીજીનું સુશાસન તેમજ સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રીય એકતાના સંકલ્પના પાયા પર ભારતીય જનતા પાર્ટી કાર્યરત છે.

અત્યાધુનિક 'નમો કમલમ’ની ઝલક

નવસારી હાઈવે પર ગ્રીડ નજીક માત્ર પોણા બે વર્ષના વિક્રમી સમયમાં તૈયાર થયેલું આ કોર્પોરેટ શૈલીનું કાર્યાલય માત્ર રાજકીય ગતિવિધિઓનું કેન્દ્ર નહીં, પરંતુ આધુનિક ટેકનોલોજી અને ગ્રીન એનર્જીનું એક આદર્શ મોડલ સાબિત થશે. નવસારી જિલ્લા ભાજપનું આ 'નમો કમલમ' સોલર પેનલ અને વોટર હાર્વેસ્ટિંગ જેવી સુવિધાઓથી સજ્જ છે.

10 કરોડના ખર્ચે નિર્મિત કાર્યાલય 40 હજાર સ્ક્વેર ફૂટ વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે
ડિજિટલ કામગીરી ઝડપી બને તે માટે AI આધારિત સિસ્ટમ, ડાઇ-સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી
સેંકડો કાર્યકરો એકસાથે બેસી શકે તેવું વિશાળ ઓડિટૉરિયમ
મહત્વની બેઠકો માટે આધુનિક કોન્ફરન્સ રૂમ
પક્ષના પદાધિકારીઓ, અધિકારીઓ અને પ્રવાસી નેતાઓ માટે અલાયદી કેબિનો
1000 પુસ્તકો સાથેની અદ્યતન લાઈબ્રેરી, 14 લાખ ઈ-બુક્સ સાથેની ઈ-લાઈબ્રેરી
સાંસદ અને ધારાસભ્યોની કેબિન, મીડિયા કેબિન, કોલ સેન્ટર


વડાપ્રધાનના આગમનને વધાવવા નવસારીના નાગરિકોમાં ઉત્સાહનો માહોલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોર બાદ નવસારી હેલિપેડ ખાતે આવી પહોંચ્યા હતા. તેમના આગમન વેળાએ અંદાજે 1100 જેટલી બહેનોએ પરંપરાગત વેશભૂષામાં કળશ સાથે ઉપસ્થિત રહી ભવ્ય સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત, 500 યુવકોએ ડમરુ વગાડીને અને નમો કમલમના પરિસરમાં 30 બહેનોએ ઢોલ-ત્રાંસાના નાદ સાથે પરંપરાગત રીતે વડાપ્રધાનનું અભિવાદન કર્યું હતું. આ કાર્યક્રમનું જિલ્લાના 389થી વધુ ગામોમાં લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેના માધ્યમથી એક લાખથી વધુ ગ્રામજનોએ ઘેરબેઠા સમગ્ર કાર્યક્રમને નિહાળ્યો હતો.