Navsari: નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દેવસર ગામમાં આગની ઘટના સામે આવી છે. જેમાં ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં કેમિકલના બેરલ ખાલી કરતી વખતે અચાનક ભડકા સાથે આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનામાં 3 લોકો જીવતા ભડથું થઈ ગયા છે. જ્યારે અન્ય 4 લોકો દાઝી જતાં તેમને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દેવસર ગામે આવેલા ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં આજે ટ્રકમાંથી કેમિકલના બેરેલ ઉતારવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક બ્લાસ્ટ સાથે આગ ભભૂકી ઉઠી હતી. જેના કારણે કામ કરી રહેલા 10 જેટલા કામદારો ગોડાઉનમાં ફસાઈ ગયા હતા. જે પૈકી સાત જેટલા કામદારો આગની લપેટમાં આવી ગયા હતા.
આ પણ વાંચો
બીજી તરફ આ બનાવની જાણ થતાં નવસારી, ચીખલી, ગણદેવી અને બીલીમોરા ફાયર વિભાગની ટીમ તેમને બીલીમોરા પોલીસ સ્ટેશનનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો છે. હાલ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ ઘટનામાં 3 શ્રમિકો જીવતા ભૂંજાઈ જતાં મોતને ભેટ્યા છે. જ્યારે અન્ય 4 કામદારો વધારે દાઝી જતાં તેમને સારવાર અર્થે વલસાડની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે હજુ પણ 3 કામદારો ફસાયા હોવાની આશંકા સેવાઈ રહી છે.
પ્રાથમિક તપાસમાં ટ્રકમાંથી કેમિકલના બેરલ ખાલી કરતી વખતે આગ ભભૂકી ઉઠી હતી. આ સમયે નીચે પણ જ્વલનશીલ કેમિકલ ઢોળાયેલું હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુ. હજુ પણ ગોડાઉનમાં કેમિકલનો જથ્થો હોવાથી આગ વધુ વિકરાળ બની શકે છે. હાલ તો ગોડાઉનમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલી રહી છે.
