જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં હોબાળાને લઈને પાટીલનો પ્રશ્ન- 'હાથમાં બંધારણની કૉપી લઈને ફરતા કોંગ્રેસ નેતાઓની બંધારણ પ્રત્યેની વફાદારી ક્યાં ગઈ?'

કલમ 370 અને 35-એ રદ થયા પછી જમ્મુ-કાશ્મિરમાં આતંકવાદી હુમલામાં 70 ટકા જેટલો ઘટાડો થયો છે, ત્યાંના સ્થાનિકો હવે દેશના વિકાસમાં ફાળો આપવા માંગે છે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 08 Nov 2024 09:07 PM (IST)Updated: Fri, 08 Nov 2024 09:07 PM (IST)
gandhinagar-news-bjp-chief-cr-patil-ask-question-to-congress-on-article-370-resolution
HIGHLIGHTS
  • દેશના બંધારણને તોડવુ-મરોડવુ તે કોંગ્રેસનો ગમતો વિષય છે

Gandhinagar News: જમ્મુ કાશ્મીર વિધાનસભામાં બનેલ ઘટના કે જેમા વિધાનસભાના સત્રના પાંચમા દિવસે સત્ર શરૂ થતા જ નેશનલ કોન્ફરન્સ પાર્ટીના નેતાઓએ કલમ 370 મુદ્દે હોબાળો કર્યો હતો તે સંદર્ભે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલે પત્રકાર પરિષદ સંબોધીને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં હતા.

કોંગ્રેસ માટે દેશના બંધારણને તોડવુ-મરોડવુ તે ગમતો વિષય છે. નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યોએ પહેલી વખત વિધાનસભામાં બંધારણના આઘારે મુખ્યમંત્રી અને મંત્રીઓએ શપથ લીઘા અને વિધાનસભામાં તેમને પહેલુ કામ સંસદમા લીઘેલા નિર્ણયને તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ હાથમાં બંઘારણની કોપી લઇને ફરે છે, પરંતુ કોંગ્રેસ નેશનલ કોન્ફરન્સને આ મુદ્દે સપોર્ટ કરે છે.

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 અને 35-એ ની કલમ રદ કરતી વખતે સંસદમા સંપુર્ણ બહુમતી સાથે અને ઉંડાણપુર્વક ચર્ચા વિચારણાના અંતે કલમ દૂર કરવાનો નિર્ણય લેવાયો હતો, જેને તોડવાનો કોંગેસ અને એનસી પાર્ટીના નેતાઓ સાથે મળી પ્રયાસ કરી રહ્યા છે.

કલમ 370 દૂર કરાતા જમ્મુ-કાશ્મીરમાં રહેતા લોકો પણ માને છે કે, હવે તેમને ખરા અર્થમાં સ્વતંત્રતા મળી છે. કલમ 370મા જમ્મુ-કાશ્મીરની દીકરીઓ અન્ય જગ્યાએ લગ્ન કરે તો તેમને તેમના પિતાની મીલકતમાં હક્ક મળતો ન હતો. દલિત અને આદિવાસી સમાજના જે લોકો જમ્મુ-કાશ્મીરમા વસે છે તેમને પણ રિઝર્વેશનનો લાભ મળતો ન હતો. આથી તેમના અધિકાર છીનવી લેવામાં આવતા હતા. આ કલમ રદ કરવાથી આદિવાસી,લધુમતી,દલિત સમાજની બહેન-દિકરીઓને તેમના મળવા પાત્ર અધિકાર મળ્યા છે. કલમ રદ થયા પછી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં 70 ટકા જેટલો ઘટાડો થયો છે. આંતકવાદને બદલે હવે ત્યાના સ્થાનિકો દેશના વિકાસમા ફાળો આપવા માંગે છે.

જ્યારે ત્યાંની ચૂંટાયેલી સરકાર વિકાસના કામોને અગ્રીમતા આપવાને બદલે પહેલુ કામ સંસદ દ્વારા લેવાયેલા નિર્ણયને તોડવાનુ કામ કરી રહી છે, તે બદલ કોંગ્રેસના નેતાઓ પાસેથી બંઘારણ પ્રત્યેની વફાદારી ક્યા ગઇ તે જાણવું જરૂરી છે. બંધારણ દ્વારા પ્રાપ્ત થયેલ આદિવાસી-દલિત કે લઘુમતી સમાજના ભાઇ-બહેનોને મળેલ અધિકારનુ રક્ષણ કરવામાં તેમને વાંધો શું છે? કેમ તેઓ તેમના અધિકાર છીનવવા માંગે છે? આનો જવાબ તેમને દેશની જનતાને આપવો પડશે, નહીતર જનતા જ તેમને જવાબ આપશે તેવો મને વિશ્વાસ છે. કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ પાર્ટીનો અસલી ચહેરો આજે જનતા સમક્ષ ઉજાગર થયો છે, પરંતુ તેમની આ મેલી મુરાદ પુરી થવાની નથી.