નવસારી: 'જય જલારામ સખી મંડળ'ની બહેનો બની આત્મનિર્ભર, સ્વાદિષ્ટ ચૉકલેટ બનાવી થઈ પગભર

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 10 Feb 2023 06:06 PM (IST)Updated: Fri 10 Feb 2023 06:33 PM (IST)
navsari-news-jay-jalaram-sakhi-mandal-sisters-became-aatmanirbhar-90270

Navsari News: રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન થકી નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના જય જલારામ સખી મંડળની બહેનોએ શૂન્યમાંથી સર્જન કરી આત્મનિર્ભર નારીથી આત્મનિર્ભર ગુજરાતની પરિકલ્પનાને સાચા અર્થમાં સાકાર કરી છે.

જય જલારામ સખી મંડળના પ્રમુખ ભાવનાબેન પટેલ અને અન્ય બહેનો વર્ષ 2016થી મિશન મંગલમ યોજના સાથે જોડાયા છે. મિશન મંગલમ યોજના દ્વારા વિવિધ સહાય મેળવવા સાથે સાડી ભરત, સિલાઈકામ અને ચોકલેટ જેવી લઘુ ઉદ્યોગ સંબંધિત વસ્તુઓની તાલીમ લઇ વર્ષોથી આવક મેળવી રહ્યું છે.

જય જલારામ સખી મંડળના પ્રમુખ ભાવનાબેન પટેલ તેમના મંડળની સફળગાથા કહેતાં જણાવ્યું કે, 7 વર્ષથી સતત અમારું મંડળ પ્રગતિ કરે છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સ્ટાફ દ્વારા અમને અમારી ચીજવસ્તુઓનું વેચાણ થાય અને અમને વેચાણનું પ્લેટફોર્મ મળી રહે તે માટે અમને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ માટે તાલીમ પણ આપવામાં આવી છે. 7 વર્ષ પહેલા અમારે કોઇ આવક ન હતી. આજે સખી મંડળની આ યોજના થકી અમે પગભર થયા છીએ.

જય જલારામ સખી મંડળ વર્ષ-2022માં ચોકલેટ બનાવવાની તાલીમ લઇ વિવિધ પ્રકારની ચોકલેટ બનાવી ઓર્ડર લઇ વેચાણ કરે છે. ઓર્ડર મુજબ ચોકલેટ બનાવીને વેચાણ કરી આર્થિક રીતે પગભર બન્યા છે. સરકારની મિશન મંગલમ યોજનાનો લાભ લઇ પરિવારને પણ મદદરૂપ બની રહયાં છે. સાથે સાથે જય જલારામ સખી મંડળના પ્રમુખ ભાવનાબેન પટેલ મંડળમાંથી ઉપજાવેલ આવકમાંથી આસપાસની ૨૦ જેટલી બહેનોને નજીવા દરે સિવણની તાલીમ આપી આર્થિક રીતે પગભર બનાવી રહયાં છે તેમની આ પહેલ મહિલા સશકિતકરણ ક્ષેત્રમાં મોટું યોગદાન છે.

કેન્દ્ર અને રાજ્ય સરકાર બહેનોની પ્રગતિ થાય અને મહિલાઓનું કલ્યાણ થાય તે માટે ગરીબી રેખા નીચે જીવતા પરિવારના સભ્યોને સખીમંડળો સ્વસહાય જૂથોમાં સંગઠીત કરી તેમને બેંકો સાથે અને લઘુધિરાણ જોડી, સુવ્યવસ્થિત પ્રક્રિયા દ્વારા કૌશલ્ય તાલીમ અને માર્કેટીંગ જોડાણ આપી કાયમી આજીવિકા સાથે જોડીને ગરીબીમાંથી બહાર લાવવા મિશન મંગલમ યોજના ખૂબ જ લાભદાયી છે.