Navsari News: ગુજરાત રાજ્યમાં અલગ અલગ જગ્યાએ ફોરવ્હીલ કારમાં લીફ્ટ આપવાના બહાને પેસેન્જરને બેસાડી રોકડા રૂપિયા તેમજ સોનાના દાગીનાની લૂંટ કરતી ગેંગને નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડી છે. પોલીસ તપાસમાં નવસારી જિલ્લામાં થયેલી લૂંટ અને ગીર ગઢડા વિસ્તારમાં થયેલા ચકચારી લૂંટ વિથ મર્ડરના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે અને 6.27 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.
મળતી માહિતી મુજબ ગત 29 ઓગસ્ટ 2025ના રોજ નવસારી જિલ્લામાં વેસ્માથી કુચેદગામ જતી નહેર પાસે એકટીવા ચાલકને કાર વડે ટક્કર મારી નીચે પાડી દેવામાં આવ્યો હતો અને બાદમાં કારમાં બેસાડીને દવાખાને લઇ જવાના બહાને માર મારી સોનાની વીંટી, સોનાની ચેઈન, સોનાનું બ્રેસલેટ તેમજ મોબાઈલ ફોનની લૂંટ કરી યુવકને માર મારી ચાલુ કારમાં નીચે નાંખી દઈ આરોપીઓ ભાગી ગયા હતા. આ બનાવ બાબતે નવસારી રૂરલ પોલીસ મથકમાં લૂંટનો ગુનો દાખલ થયો હતો.
દરમ્યાન આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવામાં નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચને સફળતા મળી છે. પોલીસે સુરતના કામરેજના ભૈરવ ગામ પાસેથી 3 આરોપીઓ સુનીલ ઉર્ફે વિજય મંગાભાઈ ઓગણીયા (દેવીપુજક) (ઉ.24), મહેશભાઈ અશોકભાઈ સોલંકી (દેવીપુજક) (ઉ.25) અને કલ્પેશભાઈ ઉર્ફે કાળીયો ભોળાભાઈ ઉર્ફે ભાવેશભાઈ મકવાણા (દેવીપુજક) (ઉ.20) ને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી સોનાની એક વીંટી, એક સોનાનો દોરો, એક સોનાનું બ્રેસલેટ, એક ફોરવ્હીલ કાર, 3 મોબાઈલ ફોન, એક ડીસમીસ અને 3 નંગ છરા સહીત કુલ 6,27,800 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો.
પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે ગત 29 ઓગસ્ટ 2025ના રોજ નવસારી જિલ્લાના વેસ્માથી કુચેદગામ જતી નહેર પાસે લૂંટ કરવાના ઈરાદે એકટીવા મોપેડને ટક્કર મારી તેને પાડી દીધો હતો અને બાદમાં દવાખાને લઇ જવાના બહાને કારમાં બેસાડીને તેને માર મારી સોનાની વીંટી, સોનાનો ચેઈન, સોનાનું બ્રેસલેટ તેમજ મોબાઈલ ફોન અને ઘડિયાળની લૂંટ કરી તેને ચાલુ કારમાંથી ફેંકી દીધો હતો અને ત્યારબાદ ત્યાંથી કામરેજ ભૈરવ ગામ જતા રહ્યા હતા
આ ઉપરાંત ગત 8 ઓગસ્ટ 2025ના રોજ બપોરના સમયે ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા વિસ્તારમાં એક વૃદ્ધ મહિલાને લીફ્ટ આપવાના બહાને કારમાં બેસાડી તેમને માથાના ભાગે માર મારતા તેમનું મોત થયું હતું અને તેમના કાનમાંથી સોનાના બુટીયા વિગેરે વસ્તુઓની લૂંટ કરી હતી અને વૃદ્ધ મહિલાને અમરેલી જિલ્લાના જાફરાબાદ વિસ્તારમાં આવેલા ક્ડીયારા ખાડા વિસ્તારમાં એક ચુંદડીમાં બાંધી તેમનો મૃતદેહ નદીના કિનારે ફેંકી દીધો હોવાની કબુલાત કરી હતી જેથી આ જગ્યાએ પોલીસે તપાસ કરાવતા મરણ જનારનું હાંડ પિંજર,કપડા તેમજ ગળામાં પહેરેલ ભગવાનનું માંદડીયુ મળી આવ્યું હતું અને ગીર ગઢડા પોલીસ મથકમાં તપાસ કરતા તેમાં વૃદ્ધ મહિલાની મિસિંગની ફરિયાદ લીધી હોવાનું ધ્યાને આવ્યું હતું જેથી મર્ડરનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ સિવાય આરોપીઓએ ગત 8 ઓગસ્ટ 2025ના રોજ ઉના ગીર ગઢડા રોડ ખાતે બપોરના સમયે મોટી ઉમરના કાકાને લીફ્ટ આપવાના બહાને પોતાની કારમાં બેસાડી છરો બતાવી સોનાની વીંટી, તેમજ રોકડા રૂપિયાની લૂંટ કરી હોવાની કબુલાત કરી હતી. તેમજ ગત 28 ઓગસ્ટ 2025ના રોજ અંકલેશ્વર શહેર ખાતે એક માણસને લીફ્ટ આપવાના બહાને પોતાની કારમાં બેસાડી છરો બતાવી રોકડા રૂપિયાની લૂંટ કરી હોવાની કબુલાત કરી છે. તેમજ આશરે 2 મહિલા પહેલા બોરસદ-આસોદર (આણંદ જિલ્લા) નજીક એક માણસ પુલ નીચે ઉભો હોય તેને જબરદસ્તી કારમાં બેસાડી તેની પાસેથી રોકડા રૂપિયા તેમજ મોબાઈલ ફોનની લૂંટ કરી તેને નીચે ફેંકી દીધેલાની કબુલાત કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ પોતાની માલિકીની ફોરવ્હીલ કાર લઇ સુરતથી સૌરાષ્ટ્રમાં રાજકોટ, જુનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર તેમજ અમદાવાદ વડોદરા, ભરૂચ, આણંદ ખાતેથી એકલ-દોકલ જતા માણસોને પોતાની કારમાં લીફ્ટ આપી કારમાં બેસાડી ડીસમીસ છરા વડે ધમકાવી માર મારી સોનાના ઘરેણા અને રોકડા રૂપિયા મોબાઈલ ફોન તેમજ કિમંતી વસ્તુની લૂંટ કરે છે અને બાદમાં ચાલુ ગાડીએ ફેંકી દેવાની અને જો લૂંટ કરતી વખતે માણસ પ્રતિકાર કરે તો તેને મોતને ઘાટ ઉતારી દેવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે.
વધુમાં આરોપીઓ ગુનાહિત ઈતિહાસ પણ ધરાવે છે. જેમાં સુનીલ ઉર્ફે વિજય મંગાભાઈ ઓગણીયા સામે અગાઉ લૂંટ, વાહન ચોરી, મારામારી સહીતના 7 ગુના, આરોપી મહેશભાઈ અશોકભાઈ સોલંકી સામે લૂંટ, મારામારી સહિતના 4 ગુના અને આરોપી કલ્પેશ ઉર્ફે કાળીયો ભોળાભાઈ ઉર્ફે ભાવેશ મકવાણા વિરુદ્ધમાં અપહરણ અને વાહનચોરી સહિતના 7 ગુના અગાઉ નોંધાયેલા છે.